જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ને નાબુદ કર્યા બાદ કર્ફયુ જેવી સ્થિતિ હતી. જો કે, હાલ સ્થિતિ સામાન્ય થઇ રહી છે. જમ્મુમાં 4 ઓગસ્ટે બંધ થયેલી ઇન્ટરનેટ સેવાઓને ફરીથી શરૂ કરવામાં આવી છે. તે ઉપરાંત શનિવારે પ્રશાસન ઘાટીમાં લેન્ડલાઇન ફોન સેવાઓ પણ ફરીથી શરૂ થવા જઇ રહી છે.
શુક્રવારે રાજ્યના મુખ્ય સચિવ બીવીઆર સુબ્રમણ્યિમે જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ વિશે જણાવતાં કહ્યું હતું કે, હવે માત્ર 5 જિલ્લાઓમાં અમુક હદ સુધી પ્રતિબંધ લાગુ છે.
તેમણે કહ્યું કે, રાજ્યમાં શાંતિ જાળવી રાખવા માટે લોકોને એક સ્થળે એક એકઠા થવું, ટેલિકોમ સેવાઓ બંધ કરવી, શાળા-કોલેજો બંધ કરવા જેવા નિર્ણયો લીધા હતા, પરંતુ હવે તેમાં સામાન્ય સ્થિતિ જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સ્થિતિની સમિક્ષા કર્યા બાદ સોમવારે શાળા અને કોલેજો ફરીથી શરૂ કરવામાં આવશે.
મધ્ય કાશ્મીરમાં બડગામ, સોનમર્ગ અને મનિગમમાં લેન્ડલાઇન સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે. ઉત્તર કાશ્મીરમાં ગુરેજ, તંગમાર્ગ, ઉરી કેરન કરનાહ અને તંગધાર વિસ્તારમાં પણ સેવાઓ શરૂ કરવામાં આવી છે, તો આ તરફ દક્ષિણ કાશ્મીરમાં કાજીગુંડ અને પહલગામ વિસ્તારમાં સેવાઓ શરૂ કરવામાં આવી છે.