શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આતંકવાદી હુમલો થયો હોવાની માહીતી સામે આવી છે. આતંકીઓએ CRPF જવાનો પર હુમલો કર્યો હતો.સૂત્રોના જણાવ્યા અનુસાર સવારે 6.25 ની આસપાસ ગોળીબારની ઘટના બની હતી. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રારંભિક માહિતી અનુસાર CRPFના જવાનો પર દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં મીની સચિવાલય નજીક આતંકીઓએ હુમલો કર્યો હતો.
સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.આ અગાઉ ગુરુવારે સાંજે પણ આતંકવાદી હુમલો થવાના સમાચાર મળ્યા હતા. પ્રખ્યાત વકીલ બાબર કાદરીની આતંકીઓએ હત્યા કરી હતી.
શ્રીનગરના હવાલ વિસ્તારમાં અજાણ્યા આતંકવાદીઓએ વકીલની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓએ સાંજના 6.25 વાગ્યાની આસપાસ હાવલ વિસ્તારમાં વકીલ બાબર કાદરીની હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા.