મુંબઇ : મરાઠા અનામતની માગ અંગે આક્રમક બનેલા મરાઠા સમાજે 10 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર બંધની ચેતવણી આપી છે. બુધવારે કોલ્હાપુરમાં મરાઠા સમાજ દ્વારા આયોજિત રાઉન્ડ ટેબલ કાઉન્સિલમાં મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરવામાં આવી હતી.
જોકે, મરાઠા આંદોલનને ટાળવા માટે રાજ્ય સરકાર દ્વારા આશરે 1210 કરોડની વિવિધ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. મરાઠા સમુદાય આનાથી સંતુષ્ટ નથી. સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત પર રોક લગાવ્યા બાદથી જ રાજ્યમાં મરાઠા સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.
બુધવારે રાજ્યના 29 જિલ્લાના મરાઠા સમાજના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ રાઉન્ડ ટેબલ કાઉન્સિલમાં ભાગ લીધો હતો. આ કાઉન્સિલમાં મરાઠા અનામત પરનો પ્રતિબંધ હટાવવા સહિતની સમાજની વિવિધ માંગણીઓ માટે 15 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.