નવી દિલ્હી: ભૂતપુર્વ વડાપ્રધાન મનમોહન સિંહને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મળતી માહિતી મુજબ, છાતીના ભાગે દુખાવાને પગલે રાત્રે 8:45 કલાકે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ હાલમાં નિરીક્ષણ હેઠળ છે અને આઈસીયુમાં દાખલ છે.
ઉલ્લેખનીય છે કે, મનમોહનસિંહે સતત 10 વર્ષ વડાપ્રધાન તરીકે દેશનું શાસન સંભાળ્યું હતું. વર્ષ 2004માં તેઓ સૌપ્રથમવાર દેશના વડાપ્રધાન બન્યા હતા અને ફરી વર્ષ 2009માં કોંગ્રેસ પાર્ટીએ તેમના નેતૃત્વ હેઠળ સત્તા હાસિલ કરી હતી. મનમોહનસિંહ અગાઉ પણ દેશના નાણાં પ્રધાન જેવા મહત્વના હોદ્દા પર રહી ચૂક્યાં છે. દેશના અર્થતંત્રના વર્તમાન સ્વરૂપનું શ્રેય તેમને આપવામાં આવે છે.