ગાઝિયાબાદઃ કવિનગર વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં બપોરે આગ લાગી હતી. ગણતરીની મીનિટોમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. આગની ભયાનકતા અને તીવ્રતા જોતા આ આસપાસની ફેક્ટરીઓ પણ તેની લપેટમાં આવે તેવી સંભાવના નકારી શકાય નહી. ઘટના સ્થળે આ લખાઈ રહ્યું છે ત્યારે 10 ફાયર ટેન્ડરો આગને અંકુશમાં લેવાની કોશિશ કરી રહ્યા છે.
ચીફ ફાયર ઓફિસર સુનિલ કુમારે કહ્યું છે કે, આગ પર કાબૂ આવે તે જ અમારી પ્રાથમિકતા છે. કેટલું નુકસાન થયુ અને આગ લાગવાનું કારણ શું છે તેની તપાસ પછીથી કરી શકાશે. આગને હોલવવા માટે ફાયરની વધારે ગાડીઓ મંગાવાઈ છે. આગને ઠારવા સ્પેશિયલ ટીમ પણ કામે લાગી છે.
આગની જ્વાળાઓ એટલે ઉંચે સુધી ઉઠી હતી કે, પાંડવનગરના ફ્લાયઓવર પરથી તે દેખાતી હતી. ધૂમાડાને જોઈ લોકોના જોઈ લોકોના જીવ તાળવે ચોંટ્યા હતાં. ઘટના દરમિયાન કંપનીનો ગાર્ડ ફસાયો હતો. જો કે તેણે જેમ તેમ કરી દોટ મૂકી પોતાનો સ્વબચાવ કર્યો હતો. મળતી વિગતો પ્રમાણે હાલમાં કોઈ વ્યક્તિ ફેક્ટરીમાં ફસાઈ નથી.