ન્યૂઝ ડેસ્ક: મહારાષ્ટ્ર અને હરિયાણામાં આજે વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાયું હતું. મહારાષ્ટ્રમાં 288 અને હરિયાણામાં 90 સીટ પર મતદાન થયું હતું. સવારે 7 વાગ્યાથી ચાલું થયેલા આ મતદાનમાં મતદારોએ અમુક બેઠક પર ઉત્સાહ દર્શાવ્યો હતો, જ્યારે અમુક બેઠકો પર નિરસ મતદાન રહ્યું હતું.
હરિયાણા: રાજ્યની તમામ 90 સીટ પર સોમવારે(આજે) સવારે 7 વાગ્યાથી મતદાન શરુ થઈ ગયું હતું અને સાંજે 6 વાગ્યે મતદાન પૂર્ણ થયું હતું. હરિયાણામાં 6 વાગ્યા સુધીમાં 61.72 ટકા મતદાન નોંધાયું છે. હરિયાણામાં છૂટક ઘટનાઓને બાદ કરતા શાંતિપૂર્ણ રીતે મતદાન સમાપ્ત થયું છે. હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન કરવા માટે લાંબી લાંબી લાઈનો પણ લાગી હતી. આજના દિવસને ધ્યાને રાખી રાજ્યમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભાજપે અહીં 75 પ્લસના લક્ષ્યાંક સાથે સત્તામાં ફરી વખત પાછા આવવાનો દાવો કર્યો છે. બીજી બાજુ કોંગ્રેસ, જેજેપી પણ બરાબરની તાકાત સાથે ટક્કરમાં છે.
મહારાષ્ટ્ર: આજે મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 સીટ પર મતદાન થયું હતું. સાંજે 6 વાગ્યા સુધીમાં અહીં 55.37 ટકા મતદાન નોંધાયું છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત અનેક બોલીવૂડ સ્ટારે આજે મુંબઈમાં મતદાન કરી લોકોને પણ મોટી સંખ્યામાં બહાર આવી મતદાન કરવા અપીલ કરી હતી. મહારાષ્ટ્રમાં જોઈએ તો, શિવસેનામાંથી ઉદ્ધવ ઠાકરેનો પરિવાર પણ મતદાન કરવા પહોચ્યો હતો.