નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં બેન્ક ડિફોલ્ટર્સનો વિવાદ ઉઠાવ્યો હતો. તેના પર સદનમાં જોરદાર હંગામો થયો હતો. રાહુલે પૂછ્યું હતું કે, બેન્ક ડિફોલ્ટર્સ કોણ છે. જેના પર કેન્દ્રીય રાજ્ય નાણાપ્રધાન અનુરાગ ઠાકુરે આંકડા ગણાવ્યા હતા. અનુરાગ ઠાકુરે રાહુલને જવાબ આપતા કહ્યું કે, ડિફોલ્ટર્સની એક સુચી વેબસાઇટ પર છે. કોઇ વસ્તુ છુપાવવા માટે નથી. સોમવારે સદનની કાર્યવાહી શરૂ થતાં જ યસ બેન્ક મામલે વિપક્ષે હંગામો કર્યો હતો. તે બાદ રાહુલ ગાંધીએ સરકારને પૂછ્યું હતું કે, દેશના 50 ટૉપ બેન્ક ડિફોલ્ટર્સ કોણ છે?
બજેટ સત્ર દરમિયાન રાહુલ ગાંધીના પ્રશ્નનો જવાબ આપતાં કેન્દ્રીય રાજ્ય નાણાપ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે, બેન્કોના પૈસા કોંગ્રેસની સરકારે વહેંચ્યા છે અને તે પૈસાની વસુલાત ભાજપ સરકારે કરી છે.
તેઓએ વધુમાં કહ્યું કે, જ્યારે લોકોને દેશની બેન્ક પ્રણાલી પર પુરો વિશ્વાસ છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે, દેશની દરેક બેન્ક પુરી રીતે સુરક્ષિત છે અને યસ બેન્કના દરેક ખાતાધારક સુરક્ષિત છે. આ તકે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે યસ બેન્કના સંસ્થાપકની સાથે ફોટા કોંગ્રેસના પૂર્વ નાણાપ્રધાને પડાવ્યા હતા.
અનુરાગ ઠાકુર દ્વારા સંસદમાં આપેલા જવાબને લઇને રાહુલ ગાંધીએ કહ્યું કે, માત્ર બેન્ક ડિફોલ્ટરનું નામ પૂછ્યું, પરંતુ મને સ્પષ્ટ જવાબ મળ્યો નથી. તેમણે વધુમાં કહ્યું કે, મને સ્પીકરે બીજો પ્રશ્ન પૂછવાની પરવાનગી આપી નથી, બીજો પ્રશ્નો પૂછવો મારો અધિકાર છે. વધુમાં જણાવતા કહ્યું કે, અત્યાર સુધી સરકાર દ્વારા 4 લાખ 80 હજાર કરોડ રુપિયા ઋણની વસુલાત કરી છે.
વધુમાં રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં પૂછ્યું કે, સરકારે ડિફોલ્ટર અને તેના ઋણની વસુલી માટે શું ઉપાય કર્યો છે.