બિહાર : સુશાંત સિંહ રાજપૂત અને તેમના પિતાના સંબધોને લઇને શિવસેના સાંસદ સંજય રાઉત તરફથી આપવામાં આવેલા આપતિજનક નિવેદનથી અભિનેતાના મોટા ભાઇ અને બીજેપીના ધારાસભ્ય નીરજ કુમાર બબલુએ શિવસેના સાંસદ સંજય રાઉતને ઇમેઇલના માધ્યમથી નોટીસ મોકલી 48 કલાકમાં માફી માંગવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, તેઓ આમ નહી કરે તો તે અદાલતમાં કેસ દાખલ કરશે, જેના માટે તે જવાબદાર રહેશે.
આ અંગે ધારાસભ્ય નીરજ કુમાર બબલુના એડવોકેટ વિરેન્દ્રકુમાર ઝા અનીશે કહ્યું કે, અમે શિવસેના સાંસદ સંજય રાઉતને નોટીસ મોકલી છે. જેમાં સંજય રાઉતે નિવેદન આપ્યું હતું કે, સુશાંતના પિતાએ બે લગ્ન કર્યા હતા, તેથી સુશાંતને તેના પિતા સાથે મુશ્કેલી હતી. તેમનું આ નિવેદન સંપૂર્ણપણે પાયાવિહોણું છે.
એક પ્રતિભાશાળી કલાકારના અકાળ મોતની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન તેના કેસમાં ભ્રામક વાતો ફેલાવવી કાવતરૂ છે. કેટલાક લોકો નથી ઇચ્છતા કે, આ રહસ્યનો પર્દાફાશ થાય અને આ મામલાની યોગ્ય તપાસ થાય.
અનિશે વધુમાં જણાવ્યું કે, સંજય રાઉત એક જવાબદાર પદ પર છે. તેમણે આવી વાતોનો સહારો લેવો જોઇએ નહી. જેથી લાગે કે, તપાસની દિશાને બદલવાની કોશિષ થઇ રહી છે. સંજય રાઉતે એવી વાતોને ઉલ્લેખ કર્યો છે જે પાયાવિહોણી છે. તેઓ રાજકીય દબાણમાં અથવા કોઈ બીજાના ગેરમાર્ગ દોરાઇને નિવેદન આપ્યું છે. આ સ્થિતિમાં તેમને 48 કલાકની અંદર કોઈ પણ વિલંબ કર્યા વિના માફી માંગવાની તક આપવામાં આવી છે.