ભારતના ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપસિંહ પુરીએ જાહેર કર્યું છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતની ૪૦ ટકા વસતિ શહેરોમાં રહેતી હશે અને વર્ષ ૨૦૫૦ સુધીમાં, ૫૦ ટકા વસતિ રહેતી હશે. દૂરંદેશી વાપરીને મોદી સરકારે શહેરી વસતિ વિશે ત્રણ પરિયોજનાઓ શરૂ કરી છે. આ ત્રણ પૈકી, સ્માર્ટ સિટિઝ મિશન અને અટલ મિશન ફૉર રિજ્યુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફૉર્મેશન (અમૃત)નો અંતિમ તબક્કો આવતા વર્ષ સુધીમાં પાટા પર હશે.
સ્માર્ટ સિટિઝ મિશનનો આરંભ જાન્યુઆરી ૨૦૧૬માં થયો હતો અને આ પહેલના ભાગરૂપે અનેક શહેરોની પસંદગી થઈ હતી. પસંદ કરાયેલાં શહેરોને સ્માર્ટ બનાવવા માટે પાંચ વર્ષની અવધિ ફાળવાઈ હતી. પ્રધાનોને આશા છે કે ડિસેમ્બર ૨૦૨૦ સુધીમાં “૧૦૦ સ્માર્ટ શહેરો મિશન” પૈકી ૫૦ ટકા કામ પૂરું થઈ ગયું હશે. પશ્ચિમ બંગાળ, કેરળ, ગુજરાત અને આંધ્રપ્રદેશ જેવાં રાજ્યોમાં સ્થિતિ વધુ સારી છે, પરંતુ બિહાર અને આસામમાં વિકાસ કાર્યો શિથિલ ગતિએ ચાલી રહ્યાં છે. પ્રસ્તાવિત યોજનાઓના મંદ અમલની સમીક્ષા વગર, અમલનો અંતિમ તબક્કો કેટલી હદે શહેરોને લાભદાયક રહેશે તે કહેવું મુશ્કેલ છે.
શહેરીકરણમાં નાગરિકોને વધુ સારી આરોગ્ય કાળજીની સુવિધાઓ અને રોજગારીની તકો પૂરી પાડવી જ જોઈએ. કેન્દ્ર સરકારે ગૌરવથી દાવો કર્યો હતો કે તેમનો હેતુ શહેરી લોકોનું જીવન સુધારવાનો છે. ‘અમૃત’ હેઠળ, પસંદ કરાયેલાં શહેરોને પાયાની સુવિધાઓથી સજ્જ કરવાં જ રહ્યાં. તાજેતરમાં આંધ્રપ્રદેશમાં સરકારમાં પરિવર્તન થયા પછી વિશ્વ બૅન્કે ‘અમૃત’ને ધિરાણ આપવાનું નકાર્યું છે. અનેક નગરપાલિકાઓમાં ઇ-વહીવટ અને સફાઈ વ્યવસ્થા પરિયોજનાઓની અવગણના કરાઈ રહી છે. ૧૦૦ સ્માર્ટ શહેરોમાં પીવાના શુદ્ધ પાણી અને વિના અવરોધ વીજ પૂરવઠાનાં વચનોએ અનેક આશા જન્માવી છે.
વડા પ્રધાન મોદીએ સ્વચ્છ ભારત અને ડિજિટલ ઇન્ડિયા જેવી યોજનાઓ દ્વારા શહેરી ભારતનો ચહેરો બદલવા આશા વ્યક્ત કરી હતી. સંસદીય સમિતિએ ઘટસ્ફોટ કર્યો છે કે આવી પ્રસ્તાવિત યોજનાઓને ભંડોળની ફાળવણી સમગ્ર બજેટના બે ટકા કરતાં ઓછી છે. પહેલા તબક્કા દરમિયાન પસંદ કરાયેલા ૫૦ સ્માર્ટ શહેરોને અપાયેલા વચનના માત્ર ૫૦ ટકા જ ભંડોળ મળ્યું છે. શહેરોના અમુક ભાગોનો જ વિકાસ કરવાના લીધે અને ભંડોળ તેમજ પરિણામો વચ્ચે અસંગતતાના લીધે ટીકા થઈ રહી છે. હવે સમય આવી ગયો છે કે કેન્દ્ર સરકાર વિદેશોમાં શહેરી આયોજનોનું વિશ્લેષણ કરે અને તેમાંથી કંઈક બોધપાઠ લે.
પાયાની સુવિધાઓ, ગૃહનિર્માણ સુવિધાઓ, જાહેર પરિવહન, આરોગ્ય કાળજી, શિક્ષણ અને ટૅક્નૉલૉજી જીવનની સારી ગુણવત્તાનાં પરિમાણો છે. જ્યુરિચ, ઑકલેન્ડ, મ્યુનિચ અને કૉપનહેગન જેવાં શહેરો વર્ષોથી શ્રેષ્ઠ શહેરની ઉપાધિ માટે સ્પર્ધા કરતાં રહ્યાં છે. સિંગાપોરે બતાવ્યું છે કે અર્થતંત્રના વિકાસ માટે જાહેર પરિવહન કેટલું અગત્યનું છે. આઈસલેન્ડ અને ફિનલેન્ડ સ્વચ્છ પર્યાવરણનાં પર્યાય છે. આની વિરુદ્ધ, ભારતનાં ત્રણચતુર્થાંશ શહેરોમાં વધુ પડતી વસતિ છે જેના કારણે નાગરિકોની જિંદગી ત્રણ વર્ષ ઘટે છે.
દિવાળીના ફટાકડાઓના લીધે વાયુ પ્રદૂષણ, વરસાદના કારણે પૂર અને રસ્તા પર ખાડાઓ ભારતીય શહેરોની વરવી સ્થિતિનાં ઉદાહરણો છે. કામચલાઉ મેક અપ અને અપૂર્ણ સારવારથી શહેરી ભારતની સ્થિતિ સુધરવાની નથી. ૧૮૦ દેશોમાં થયેલા સર્વેમાં પર્યાવરણકીય દેખાવ સૂચકાંક (EPI)માં ભારત સૌથી છેલ્લે છે. સરકારોએ સ્વચ્છ હવા અને પાણી માટે કામ કરવું જ જોઈએ. ગામડાઓને લઘુ ઉદ્યોગો સાથે સ્વાવલંબી બનાવવાં જોઈએ અને સાથે શહેરી વિસ્તારોમાં પરિવહનની પ્રણાલિ સુધારવી જોઈએ. જ્યારે શહેરીકરણ નવી ઊંચાઈને પ્રાપ્ત કરશે ત્યારે જ ભારત સાચા અર્થમાં પ્રગતિ કરશે.