કર્ણાટકની ગાદી પર 14 મહિના શાસન કર્યા પછી એચ.ડી.કુમારસ્વામીએ સત્તા પરથી હટવું પડ્યુ છે. વિશ્વાસમતમાં અસફળ થતાં કુમારસ્વામીએ મુખ્યપ્રધાન પદની ખૂરશી પરથી ઉભુ થવું પડયુ. આ સાથે જ JDS અને કોંગ્રેસની ગઠબંધનવાળી સરકાર પડી ભાંગી અને સત્તા ભાજપના હાથમાં આવી. બી.એસ.યેદિરુપ્પા ફરી એક વાર CM બન્યા. આ ઘટનાક્રમમાં કર્ણાટકના મુખ્યપ્રધાન એચ.ડી. કુમારસ્વામી રાજકારણની કપરી સ્થિતિમાંથી પસાર થયાં. આ દુઃખ આટલા દિવસ પછી છલક્યુ છે.
શનિવારે કુમારસ્વામીએ ભાવવિભોર થઈને નિવેદન આપ્યુ છે. તેમણે મીડિયા સમક્ષ કહ્યુ કે, ' હું રાજકારણથી દુર જવાનું વિચારી રહ્યો છું. હું અકસ્માતથી રાજકારણમાં આવી ગયો હતો. બે વખત CM પણ આકસ્મિક રીતે જ બન્યો. ઈશ્વરે મને બે વાર મુખ્યપ્રધાન બનવાની તક આપી હતી. હું ત્યાં કોઈને ખુશ કરવા કે સંતોષ આપવા નહોતો ગયો. 14 મહિનામાં મેં રાજ્યના વિકાસ માટે સારુ કામ કર્યુ છે. હું આ કામથી સંતુષ્ટ છું'
વધુમાં કુમાર સ્વામીએ કહ્યું કે, 'હું જોઈ રહ્યો છું કે રાજકારણ કઈ દિશામાં જઈ રહ્યુ છે. મારુ અવલોકન છે કે રાજકારણમાં સારા લોકોનું કામ નથી. મેં રાજકારણ કરી લીધુ. મારો પરિવાર રાજકારણમાં નહી આવે. મને શાંતિથી જીવવા દો. જ્યારે હું સત્તામાં હતો ત્યારે મેં સારું કર્યું. મને લોકોના હૃદયમાં જગ્યા જોઈએ છે.'