તિરુવન્તંમપુરમ : કેરલાના મુખ્ય પ્રધાન પિનરાય વિજયનએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં ભારતીયોની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોરોના વાઇરસ રોગચાળાને લઈને સર્જાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને યુએઈમાં ફસાયેલા ભારતીયોને રાહત આપવાની માંગ કરવામાં આવી છે. મુખ્ય પ્રધાન વિજયને વડા પ્રધાન મોદીને યુએઈ સરકાર સાથે આ અંગે વાત કરવા વિનંતી કરી છે.
મુખ્ય પ્રધાન વિજયને પત્રમાં લખ્યું છે કે હું યુએઈમાં ભારતીય સ્થળાંતર કરનારાઓની પરિસ્થિતિ તરફ વડા પ્રધાન મોદીનું ધ્યાન દોરવા માંગું છું. કોવિડ -19થી જન્મેલા સંજોગો ત્યાં એકદમ પડકારજનક છે. વડા પ્રધાને આ મામલો યુએઈ સરકાર પાસે ઉઠાવવો જોઈએ. પિનરાય વિજ્યને પત્રમાં લખ્યું છે કે, યુએઈમાં 28 લાખ ભારતીય પ્રવાસી છે, જેમાંથી 10 લાખ લોકો કેરળના છે. લાગે છે કે દુબઈમાં હાલત વધુ ખરાબ થઈ રહી છે. અમને ઘણી ફરિયાદો મળી છે, જેમાં આઇસોલેશન અને કવોરોન્ટાઇનની સુવિધાઓની કમીની વાત કરવામાં આવી છે. સંક્રમણ સમુદાય સ્તરે ન ફેલાય તેની પણ ચિંતા છે.મોટાભાગની ફરિયાદોમાં એવું કહેવામાં આવ્યું છે કે સંક્રમણથી બચવા માટે જરૂરી સાવચેતીનાં પગલાં લેવા જોઈએ, જે લેવામાં આવી રહ્યા નથી.
વિજ્યને આગળ લખ્યું છે, જેમ કે આપણે જાણીએ છીએ કે, કેરળના લોકો જે ત્યાં કામ કરે છે તેઓ કામદાર છે અને તેઓ ખૂબ ગીચ વિસ્તારોમાં રહે છે. દુબઇમાં આવી હાલતમાં સંક્રમણ વધવાનું જોખમ વધી ગયું છે. આવી સ્થિતિમાં દુબઈમાં કેરળના લોકો માટે ભારત સરકાર ખૂબ ચિંતિત છે. હું તમને (પીએમ મોદી) વિનંતી કરું છું કે યુએઈ સરકાર સાથે આ મુદ્દો ઉઠાવો જેથી દુબઇમાં રહેતા ભારતીય લોકોને યોગ્ય ખોરાક, દવા, કવોરોન્ટાઇન અને ઇમરજન્સીની સુવિધા મળી શકે.