નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે શનિવાર સવારે 8 વાગે મતદાન શરૂ થશે. મતદાન પૂર્વે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરવાલે શુક્રવાર સાંજે કનોટ પ્લેસ સ્થિત પ્રાચીન હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી આર્શિવાદ લીધા હતા. તેમની સાથે તેમની પત્ની સુનીતા તથા દિકરી હર્ષિતા પણ હતા.
અરવિંદ કેજરીવાલના જણાવ્યા અનુસાર, તેઓ આ મંદિરમાં આર્શિવાદ લેવા આવ્યા છે. હનુમાનજી સંકટમોચન છે. તેઓ દેશને દરેક સંકટમાંથી ઉગારી લે તેવી પ્રથના કરવા આ મંદિરમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ તેમણે હનુમાન ચાલીસાથી થતા પાઠના ફાયદા જણાવ્યા હતા.
આચાર સંહિતા અંતર્ગત દિલ્હીની ચૂંટણીનો પ્રચાર બુધવાર સાંજે પૂર્ણ કરાયો હતો. આચાર સંહિતા પછી ડોર ટુ ડોર કેમ્પેઈનથી જ પ્રચાર કરી શકાય છે. શુક્રવાર સવારે દિલ્હી ભાજપ પ્રદેશ પ્રમુખ મનોજ તીવારીએ પણ માતા કાળકા મંદિર અને છત્રપુર મંદિર જઈ માઁ ભગવતીના દર્શન કર્યા હતા. જ્યારે સાંજે અરવિંદ કેજરીવાલ કનોટ પ્લેસ હનુમાન મંદિરમાં બજરંગબલીના દર્શન કરી આર્શિવાદ મેળવ્યા હતા.
ઉમેદવારી નોંધાવતા સમયે કરેલા રોડ શોમાં પણ તેમણે આ મંદિરમાં બહારથી વંદન કર્યા હતા.
અરવિંદ કેજરવાલ ઉમેદવારી નોંધાવાનું ફોર્મ ભરતા પહેલા 30 જાન્યુઆરીના દિવસે તેમના વિધાન સભા વિસ્તારમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોનો વિરામ સ્થાન તરીકે આ મંદિરને રાખવામાં આવ્યું હતું. રોડ શો દરમિયાન તેમણે માત્ર બહારથી જ વંદન કર્યા હતા, પરંતું મતદાનની પૂર્વ સંધ્યાએ સહપરિવાર તેમણે આ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમજ મંદિરના આસપાસના દુકાનદારો સાથે પણ મુલાકાત કરી હતી.