નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટને 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટ પ્રતિબંધોને પડકારતી અરજીઓ પર સુનાવણી ન કરવા વિનંતી કરવામાં આવી છે. આ વિનંતી એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ અને સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કરી હતી, કારણ કે જમ્મુ-કાશ્મીર માટે 5 ઓગસ્ટનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે.
ગયા વર્ષે 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી અને તેને કેન્દ્રશાસિત પ્રદેશોનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ દિવસે જમ્મુ-કાશ્મીર સરકાર અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ જમ્મુ-કાશ્મીરમાં 4જી ઇન્ટરનેટ સેવાને લાગતી અરજીની સુનાવણી કરી રહી છે.
અરજદાર તરફથી ઉપસ્થિત વરિષ્ઠ વકીલ હુઝૈફા અહમદીએ કોર્ટ સમક્ષ જણાવ્યું કે, લેફ્ટનન્ટ ગવર્નરે 4જી સેવાઓ પુન: સ્થાપિત કરવા અંગે મીડિયામાં નિવેદન આપ્યું હતું અને કહ્યું કે, તેના માટે ભલામણો મોકલવામાં આવી છે. જોકે, કેન્દ્રએ તેના સોગંદનામામાં કહ્યું છે કે, ત્યાં 4 જી સેવાઓ પુન:સ્થાપિત કરવા માટે હાલ સ્થિતિ યોગ્ય નથી.
એટર્ની જનરલ અને સોલિસિટર જનરલની વિનંતી પર કોર્ટે સુનાવણીની આગામી તારીખ 7 ઓગસ્ટ આપી છે.