ન્યૂઝ ડેસ્ક : જલિકટ્ટુ કાવેરી નદીના મુખત્રિકોણમાં અને કેટલાક અન્ય વિસ્તારોમાં યોજાતી હોય છે. બંને બાજુ લોકો એકઠા થઈ ગયા હોય છે અને વચ્ચે વડી વસાલ તરીકે ઓળખાતો રસ્તો રાખવામાં આવ્યો હોય છે. આખલાને તે રસ્તા પર દોડાવી દેવામાં આવે અને તે ભૂરાઈ થઈને ભાગતા હોય ત્યારે તેની ખૂંધ પકડીને તેની પર ટકી રહેવાની સ્પર્ધા થાય. કોઈ માણસ હિંમત કરીને અડધી મિનિટ સુધી ખૂંધ પકડીને ટકી જાય તો તે જીત્યો કહેવાય. અથવા ત્રણ ઝટકા સુધી તે વળગેલો રહે કે અમુક અંતર સુધી આખલો દોડીને જાય ત્યાં સુધી ટકી રહે તે પણ જીત્યો કહેવાય.
ભારે જોશથી ભાગતો અને ઉછળતો ખૂંટિયો કોઈને નજીક ના આવવા દે, પરંતુ જો આટલો સમય તેના પર વળગીને રહી શકાય તો તેને કાબૂમાં કરી લીધો એમ માની લેવાય. આવું જોખમી કામ કરનારાની વાહ વાહ થાય અને તેને ઈનામ મળે. ઈનામમાં ઘરવખરી કે વસ્તુઓ મળતી હોય છે અને સૌથી વધુ આખલાને કાબૂમાં કરનારાને કાર જેવી કિમતી વસ્તુઓ અપાતી હોય છે.
આસામમાં આવું ઈનામ આપવાની વાત નથી. તેમાં આખલાને લડાવવામાં આવે છે અને બે બળિયા બળદો એકબીજાને શિંગડાં ભરાવીને લડે ત્યારે એક બીજાને ધાયલ કરી દેતા હોય છે.
જલિકટ્ટુને તામિલનાડુની પ્રાચીન પરંપરા માનવામાં આવે છે. બળદોને ખેડૂતો કુંટુબના સભ્યની જેમ જ ઉછરતા હોય છે. આસામમાં બળદોને લડાવવા પાછળનો હેતુ એવો છે કે તે ભૂરાયા ના થાય અને આ રીતે વધુ મજબૂત પણ થાય છે તેમ માનવામાં આવે છે.
જલિકટ્ટુ લણણીની મોસમ વખતે યોજાય છે, જે તમિલ થાઇ મહિનામાં આવે છે. મદુરાઈમાં ત્રણ મહત્ત્વના તહેવારો યોજાતા હોય છે. તેમાં અલંગાનલ્લુર મંદિર હોય ત્યાં યોજાતી હોય છે. જોકે ચર્ચમાં પણ તે યોજાતી હોય છે એટલે તે ધર્મ સાથે જોડાયેલી નથી. આસામમાં માઘ બિહુ નિમિત્તે (ઉત્તરાયણ વખતે) બળદોને લડાવાતા હોય છે. આ દિવસ બિહુ મહિનાનો પહેલો દિવસ હોય છે.
આ પારંપરિક ઉત્સવ સામે વિરોધ થયો ત્યારે 2014માં સુપ્રીમ કોર્ટે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો અને આસામમાં બળદની લડાઈને પણ અટકાવી હતી.
જોકે જાન્યુઆરી 2017માં જલિકટ્ટુની મંજૂરી માટે તામિલનાડુમાં લોકજુવાળ જાગ્યો હતો. ચેન્નઇના મરીના બીચ પર ધરણાં યોજાયા હતા અને મદુરાઈમાં જલિકટ્ટુ જ્યાં યોજાય છે તે સ્થળ સહિતની જગ્યાઓએ વિરોધ પ્રદર્શનો થયા હતા. વિરોધ અને જનતાનો મિજાજ જોયા પછી 23 જાન્યુઆરીએ તામિલનાડુ વિધાનસભાએ ખરડો પસાર કરીને જલિકટ્ટુને મંજૂરી આપી હતી. પિપલ ફૉર એથિકલ ટ્રીટમેન્ટ ઑફ એનિમલ્સ (PETA)ના કાર્યકરોએ તેના પર પ્રતિબંધ માટે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી, પણ તેમાં સફળતા મળી નહોતી. 2000 જૂની આ દેશી રમત અને પરંપરા આ રીતે આજેય ચાલતી રહી છે.
આસામમાં યોજાતી બળદોની લડાઈ પણ 6થી 8 સદી જૂની છે અને સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો તે પછીય બે જિલ્લાઓમાં ગ્રામીણ પ્રજા તે યોજતી રહી હતી.
સંગમ યુગ વખતે લખાયેલા કલિથોગાઈમાં આ રમતનો ઉલ્લેખ છે. કન્યા માટે મજબૂત અને બહાદુર વર શોધવા માટે આ સ્પર્ધા યોજાતી હતી તેમ કહેવાય છે. ભૂરાયા થયેલા બળદને શિંગડેથી પકડવાની હિંમત ના ધરાવતા હોય તેવા યુવાનને કોઈ યુવતી પસંદ ના કરે. આવા નબળા યુવાનને કન્યા આ જન્મે કે આવતા જન્મે પણ પસંદ ના કરે તેમ જણાવાયું હતું. આ સ્પર્ધા જીતી જાય અને આખલાની ખૂંધ પર લટકી જાય તેને બહાદુર તરીકે વધાવી લેવામાં આવતો હતો તેમ તેમાં જણાવાયું હતું.
દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં સિંધુ ખીણની સંસ્કૃતિનો એક અવશેષ સચવાયેલો છે, જેમાં જલિકટ્ટુ જેવી રમતનો ખ્યાલ આવે છે. આ રીતે આ પરંપરા આટલી પ્રાચીન છે, અને આજ સુધી ટકી શકી છે.
આર. પ્રિન્સ જેબકુમાર (સાથે અનુપ શર્મા)