રાજસ્થાન: રાજધાની જયપુરમાં હોસ્પિટલ તંત્રની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
ગુલામ મોહમ્મદ નામનો વ્યક્તિ તેની 5 વર્ષીય પુત્રીના ફ્રેકચરની સારવાર માટે સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ગયો હતો જ્યાં તેને જણાવવામાં આવ્યું હતું કે તેની પુત્રીનું ઓપરેશન કરવું પડશે. પહેલા બાળકીનો કોરોના ટેસ્ટ કરાવવા તંત્ર દ્વારા જણાવવામાં આવતા ગુલામ મોહમ્મદ અને તેની પત્નીએ પુત્રીનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આથી બાળકીના હાથ પર કાચું પ્લાસ્ટર બાંધી તેને RUHS હોસ્પિટલમાં સારવાર માટે મોકલવાનું તેના માતા પિતાને જણાવવામાં આવ્યું. આ દરમિયાન તેના માતા પિતાએ પોતાના કોરોના ટેસ્ટની પણ ઈચ્છા જણાવી હતી પરંતુ તેમનો ટેસ્ટ કરવામાં આવ્યો નહી.
4 દિવસ બાદ બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલ દ્વારા તેના માતા પિતાને કોરોના ટેસ્ટ કરવાનું કહેવામાં આવ્યું જેનો દંપતિએ વિરોધ કર્યો. ત્યારબાદ ગુલામ મોહમ્મદનો રિપોર્ટ 8 જૂને આપી દેવામાં આવ્યો હતો પરંતુ તેની પત્ની શબનમનો રિપોર્ટ ન આવતા બાળકીના ઓપરેશન માટે વધુને વધુ વિલંબ થઈ રહ્યો હતો. આખરે શબનમ દ્વારા રિપોર્ટ માંગવામાં આવતા વોર્ડબોયએ તેમની પાસે અઢી હજાર રૂપિયા માંગ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ દંપતી તેની પુત્રી સાથે ભાડાના મકાનમાં રહે છે અને માંડમાંડ પોતાનું ગુજરાન ચલાવે છે તેવામાં સારવારના ખર્ચ ને બહાને તેમને લૂંટવામાં આવતા હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.