નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારા અંગે કેન્દ્ર સરકારને ઘેરી લીધી છે. તેમણે કહ્યું કે, 1 કરોડ ભારતીયો કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છે, આજીવિકાથી પીડિત છે, આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે અને ભાજપ સરકાર દેશવાસીઓના લોહી અને પરસેવાની કમાણી લૂંટવામાં વ્યસ્ત છે.
તેમણે કહ્યું કે ક્રૂડ ઓઇલની કિંમત આખા વિશ્વમાં તેના સૌથી નીચા સ્તરે છે. દેશના લોકોને તેનો લાભ આપવાને બદલે મોદી સરકાર નિર્દયતાથી પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાવીને નફો કરી રહી છે. મુશ્કેલીના સમયે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ લગાડવો એ 'આર્થિક રાજદ્રોહ' છે.
તેમણે કહ્યું માત્ર 48 દિવસમાં (14 માર્ચથી 4 મેની વચ્ચે) મોદી સરકારે ડીઝલ પર 16 રૂપિયા અને પેટ્રોલ પર લિટર દીઠ 13 રૂપિયાનો ટેક્સ લગાડ્યો. એકલા આ ટેક્સ વધારા સાથે, મોદી સરકારે લોકોના ખિસ્સામાંથી 1,40,000 કરોડ રૂપિયા વાર્ષિક લેશે.
તેમણે વધુમાં પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર 2014-15 થી વર્ષ 2019-20 સુધીમાં ટેક્સમાં 12 વખત વધારો કર્યો છે, અને 130 કરોડ ભારતીયો પાસેથી 17 લાખ કરોડ રૂપિયા વસૂલ્યા છે. આ ગેરવસૂલીના પૈસા ક્યાં ગયા, જ્યારે જનતાને રાહત નથી મળી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગે લોકોને જવાબ આપવો જોઇએ.