તેની કિંમત ચૂકવવી પડે છે અને જળ પ્રદૂષણને કારણે વર્ષે 7 લાખ લોકો મોત પામે છે, જ્યારે બીજા લાખો પેટની બીમારીઓ અને ભારે ધાતનું પ્રદૂષણ સહન કરે છે. જળાશયો ઘટવા લાગ્યા છે અને ભૂતળના પાણી ઊંડા ને ઊંડા ઉતરી રહ્યા છે. આવી સ્થિતિમાં આગામી દાયકામાં પાણી રમખાણો નહિ થાય તો જ નવાઈ લાગશે.
નાદાન યુવાન ભારતીય 'કોન્ટ્રેક્ટરો' આપણી નદીઓને, તેની રેતીને લૂંટી રહ્યા છે. પહાડો ગેરકાયદે રીતે ખોદીને ખનીજો કાઢી લેવામાં આવે છે અને વિસ્ફોટ ટોટા ફોડીને જમીનને ખેદાનમેદાન કરી નાખવામાં આવે છે. જૂની પેઢીના લોકો આપણને ઉપદેશો આપી રહ્યા છે, પણ તેઓ ભૂલી ગયા છે કે તેમણે જ આપણને કુદરત પ્રત્યે આટલા બેદરકાર બનાવ્યા છે.
પ્રદૂષણ માટે સરકાર જવાબદાર નથી. આ તો લોકોએ કરેલું પાપ છે, લોકોની લાલચ, ઉદાસીનતા અને ભારતના મરી પરવારેલા આત્મા જવાબદાર છે. આપણા સમાજે હિંસાને સ્વીકારી લીધી છે અને ઉદાસીનતા સાથે આપણી માતા ગંગાનો ભોગ આપી દીધો છે.
જીવંત માતા તરીકે જેને પૂજીએ છીએ તે ગંગા નદી આજે ફળદ્રુપ કાંપ અને ખનીજથી ભરેલી નથી, પરંતુ ઝેરી કચરાથી અને અબજ લીટર ગટરના પાણીથી ભરાઈ ગઈ છે. ગંગા દુનિયાની ચોથા નંબરની સૌથી પ્રદૂષિત નદી બની ગઈ છે. માત્ર મનુષ્ય માટે જ નહિ, પણ માછલીઓ અને વનસ્પતિઓ માટે પણ ઝેરી બની ગઈ છે. ગંગાના તટમાં હવે નદી, ખરેખર તો એક પ્રદૂષિત નાળું વહી રહ્યું હોય તેવું લાગે છે.
આ સમસ્યાના ઉકેલ માટે ગંગા યાત્રા અને જાગૃતિ યાત્રા કદાચ પ્રથમ પગલું હશે, પણ તેનાથી ઉકેલ આવવાનો નથી. ગંગા શુદ્ધિકરણ માટે હજારો કરોડો રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે, પણ આજેય અલાહાબાદમાં ગંગામાં થોડું ઘણું જેટલું પાણી આવે છે તે પીવા લાયક રહ્યું નથી.
2019ના અર્ધકુંભ પછી નદી કિનારાની શું હાલત થઈ હતી તે મને યાદ આવે છે. નદી કિનારે ચારે બાજુ ગંદકી ફેલાયેલી હતી. લાખો લોકોની શ્રદ્ધા સામે કોઈ સવાલ નથી, પણ સવાલ એ છે કે આવી શ્રદ્ધાનો કોઈ અર્થ ખરો?
આનો જવાબ મુશ્કેલ છે, પણ બહુ સ્પષ્ટ છે. ખોટી શ્રદ્ધા કે માત્ર શ્રદ્ધાની વાતોથી વિશ્વની સૌથી મોટા નદી પ્રવાહો ધરાવતી ગંગા નદીને થોડા દાયકામાં જ મારી નાખી છે. ગંગામાં સ્નાન પાપ ધોવા માટે હતું. માત્ર પોતાની જ પરવા કરવાની પણ નદીની પરવા કરવાની નહિ. આવી શ્રદ્ધા એ હિન્દુત્વ નથી, પણ હિન્દુત્વની શ્રદ્ધાનું ખોટું સ્વરૂપ છે.
ઉકેલ બહુ મુશ્કેલ છે અને તેના માટે ભોગ આપવો પડે તેમ છે. સૌ પ્રથમ તો નદીમાં ડુબકી મારવાનું બંધ કરવું પડશે, ખાસ કરીને ઉપરવાસના ઉત્તરાખંડ વિસ્તારમાં. નદીમાં 8 પ્રદૂષણનું કારણ તેમાં ભળતું ગટરનું પાણી છે, જે તાત્કાલિક બંધ કરવું જરૂરી છે. ગંગા શુદ્ધિકરણની યોજનામાં ગટરના પાણીને ટ્રીટમેન્ટ કરવાની યોગ્ય વ્યવસ્થા વિચારવી જરૂરી છે, ખાસ કરીને નદીના ઉપરવાસમાં. હાલમાં ગંગામાં થતા રાફ્ટિંગમાંથી પણ કચરો ફેંકાય છે તે બંધ કરાવી શકતા નથી. આપણે નદીના મૂળિયા છે ત્યાંથી શુદ્ધિની શરૂઆત કરાવવી પડશે. અસરકારક ગટર વ્યવસ્થા વિના નદી ક્યારેય શુદ્ધ થશે નહિ.
સાથે જ એક સક્રિય પોર્ટલની જરૂર છે, જેમાં નદીના દરેક તબક્કે કેટલું પ્રદૂષણ છે તે દર્શાવવામાં આવે. ગંગાને મળતી નદીઓમાં પણ તેના પર નજર રાખવી જોઈએ. બીજું પગલું ગંગા નદીના સ્રાવ પ્રદેશોને સુધારવા જરૂરી છે. તેનો અર્થ થયો કે ગંગાને મળતી બધી જ નાની નદીઓ અને ઝરણાંને રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરવી પડે. તેમાં રેતીખનન, ખોદકામ, કચરાના નિકાલ પર પ્રતિબંધ હોવો જોઈએ. તેને ગંભીર ગુનો ગણીને આકરી સજા થવી જોઈએ. આ બાબતમાં ગ્રામીણ વિસ્તારમાં પોલીસને જાગૃત કરવી જોઈએ, કેમ કે નજીકના ભવિષ્યમાં સોના કરતાંય પાણી વધુ કિમતી થઈ જવાનું છે.
સૌથી વધુ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો મોટા કડક ધોરણો દાખલ કરવા જોઈએ તથા નવો ગંગા શુદ્ધિકરણ વેરો નાખવો જોઈએ. કડક ધોરણો માટે સરકારે નોર્વે કે સ્વિડનની નદી અંગેની નીતિઓનો દાખલો લેવો જોઈએ. પ્રદૂષણ ફેલાવતા દરેક ઉદ્યોગોમાં ટ્રીટમેન્ટ માટેનો પ્લાન્ટ હોવો જોઈએ. રાજ્યના પ્રદૂષણ નિયંત્રણ વિભાગે જળશુદ્ધિના રિપોર્ટ આપે તેની ચકાસણી ત્રીજા પક્ષ પાસે કરાવવી જોઈએ, જેથી પારદર્શિતા જળવાઈ.
ગંગા તટપ્રદેશમાં આવેલા અને સૌથી વધુ પ્રદૂષણ કરતાં શહેરોના ઉદ્યોગોના સીએસઆર ફંડનો ઉપયોગ નદી શુદ્ધિકરણની યોજના માટે થવો જોઈએ. ઇકો-એન્ટ્રપ્રન્યોરને પ્રોત્સાહન આપવું જોઈએ અને કુદરતના સંવર્ધન માટેની યોજનાનું મૂલ્યાંકન કરીને તેમાંથી કમાણી થાય તેવું કરવું જોઈએ.
દાખલા તરીકે કેટલાક વિસ્તારોમાં ચામડાનું કામકાજ કરતાં એકમો પોતાની રીતે ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખી શકે તેમ નથી. આવા એકમોએ ઇકોલોજિકલ સર્વિસ આપતી કંપની સાથે ટાઇઅપ કરવું જોઈએ. નદીના કિનારે ઔદ્યોગિક ઝોન બનાવવાના બદલે નાના નાના ગ્રીન ઉદ્યોગ ઝોન બનાવવા જોઈએ. જળશુદ્ધિ માટેના પ્રોજેક્ટને પ્રોત્સાહન આપીને તેના ગ્રીન ઝોન બનાવવા જોઈએ. ગંગા નદીના કિનારે આવેલા એનજીઓ અને ખેડૂતોને પ્રોત્સાહન આપવું જોઈએ કે તેઓ ઓર્ગેનિક ફાર્મિંગ અપનાવે. ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતો વળે તે માટે રાજ્ય સરકારે સબસિડી આપવી જોઈએ. ગંગા ઓર્ગેનિક એવી બ્રાન્ડ ગ્રાહકો માટે તૈયાર કરવી જોઈએ. જાવિક સેતુ નામ આપીને બિહાર સરકારે આવી પહેલ કરી છે. તેને સમગ્ર ગંગા તટપ્રદેશમાં અપનાવવી જોઈએ.
સમાપનમાં એ સમજવું જોઈએ કે ગંગા કે યમુના કે બીજી કોઈ પણ નદીની સમસ્યા એ શ્રદ્ધાની સમસ્યા છે. આપણે સમાજ તરીકે આપણી સંસ્કૃતિનો નાશ કર્યો અને તેનું જ પરિણામ રોગો અને પ્રદૂષણ તરીકે ભોગવી રહ્યા છીએ. મૃતપાય નદી અને મૃતપાય શ્રદ્ધા અને મૃતપાય હિન્દુત્વનું પ્રતીક છે. આપણો લોભ અને આપણો ધર્મ એકસાથે ચાલી શકે તેમ નથી. કાંતો નદી જીતશે અને પવિત્રતા જળવાઈ રહેશે અને નહિતો લોભનો અને કુદરતના નાશનો વિજય થશે.
ગંગાને શુદ્ધ કરવા માટે નાણાં અને સરકારી પ્રયાસો જ પૂરતા નથી. માત્ર આપણો ત્યાગ અને શ્રદ્ધા જ નદીને શુદ્ધ કરી શકે છે. આપણે ગંગા સત્યાગ્રહ કરવાની જરૂર છે અને આપણા સમાજમાં ફરજની ભાવના ફરી જાગે તે જરૂરી છે. નદી કાંઠાની સંસ્કૃતિના આપણે સંતાનો છીએ અને આપણે નદીમાતાઓને ફરી જીવંત કરવી જરૂરી છે. ગંગા પુરાણમાં લખ્યું છે કે, “માત્ર ગંગાના દર્શનથી જ હજારો લોકોના પાપનો નાશ પામે છે, તે ગંગાજળના સ્પર્શથી, તેને પીવાથી કે તેના નામસ્મરણથી પણ તે પવિત્ર બને છે.” આવી શુદ્ધતા અને પવિત્રતા ગંગા નદીની હતી. એ સમય આવી ગયો છે કે આપણે સમાજના લોભ, લાલચ, સ્વાર્થ અને કુદરત પરની હિંસાને ધોઈ કાઢીએ અને ગંગાને ફરી પવિત્ર નદીમાતા બનાવીએ.
ઇન્દ્ર શેખર સિંહ, ડિરેક્ટર, પોલીસી અને રિસર્ચ, નેશનલ સીડ એસોસિએશન ઑફ ઇન્ડિયા