ન્યૂક્લિયર પાવર કાર્પોરેશન ઓફ ઈન્ડિયાએ (NPCIL) 30 ઓક્ટોબરે જણાવ્યું કે, સપ્ટેમ્બરની શરુઆતમાં કુડાનકુલમ પરમાણુ પ્લાન્ટની સંચાર પ્રણાલીમાં 'ડી-ટ્રેક' નામનો માલવેયર જોવા મળ્યો હતો. ડી-ટ્રેક એક એવું સાયબર હથિયાર છે, જેનો ઉપયોગ હાઈ એન્ડ ટોકનોલોજી વાળી મશીન પર હુમલા માટે કરવામાં આવે છે. જોકે અધિકારીઓએ જણાવ્યું કે, સંચાર પ્રણાલી પર કોઈ પ્રકારનું જોખમ નથી. કારણકે તેની બધી જ સિસ્ટમ 'હેક પ્રૂફ' અને 'એર ગેપ્ડ' છે. ટેકનોલોજીની ભાષામાં એર ગેપ્ડ એ સિસ્ટમ છે, જે ઈન્ટરનેટ અથવા બહારના કોઈ પણ નેટવર્ક સાથે જોડાયેલી નહોય. આપને જણાવી દઈએ કે, ચંદ્રયાન-2ના લોન્ચિંગ સમયે ઈસરોને પણ ડી-ટ્રેકના હુમલાની ચેતવણી મળી હતી.
આ પ્રકારના હુમલા ભારતના સૌથી જરુરી સુરક્ષા સિસ્ટમમાં સાઈબર સુરક્ષાની સ્થિતિ જણાવે છે. સામાન્ય સંજોગામાં ડી-ટ્રેકનો ઉપયોગ ઉત્તર કોરિયાથી કામ કરનારા સાયબર આપરાધી કરે છે. આ માલવેયરવના ઉપયોગથી અપરાધી દક્ષિણ કોરિયાની સંવેદનશીલ આર્થિક, સામાજિક અને સુરક્ષા સાથે જોડાયેલી માહિતી ચોરી કરે છે. ભાભા અટોમિક અનુસંધાન સેન્ટરના પૂર્વ અધ્યક્ષ એસ.એ. ભાર્ગવે જણાવ્યું કે, તેમને પણ આ પ્રકારના માલવેયરના ઈમેલ મળી ચૂક્યા છે.
એસ.એ. ભાર્ગવ ઈન્ડિયન એટોમિક પાવર કંપનીના ટેકનોલોજી નિર્દેશક હોવાની સાથે થોરિયમ આધારિત AHWR રિએક્ટરના વૈજ્ઞાનિક પણ છે. ઉત્તર કોરિયા ગત કેટલાક સમયથી યૂરેનિયમ આધારિત ન્યૂક્લિયર ટેકનોલોજી છોડી થોરિયમ આધારિત ન્યૂક્લિયર ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. થોરિયમ પર આધારિત કામ કરી રહેલા અન્ય દેશોના વૈજ્ઞાનિકો પર ચીન પણ નજર રાખી રહ્યું છે. આ પહેલા ભારતના એક પ્રમુખ વૈજ્ઞાનિક અનિલ કાકોદકરને પણ આ પ્રકારના ઈમેલ મળી ચુક્યા છે.
ઉત્તર કોરિયાથી છે ખતરો
વર્તમાન સમયમાં યુદ્ધક્ષેત્રની સીમાઓનો વ્યાપ વધી ગયો છે. જમીન, આકાશ અને સમુદ્રમાં લડાતી લડાઈ હવે સાઈબર સુરક્ષા સુધી પહોંચી ગઈ છે. કોઈ પણ દેશ અથવા સિસ્ટમને નુકસાન પહોચાડવા માટે સાઈબર એટેક એક મહત્વનું હથિયાર બની ગયું છે. સાયબર સુરક્ષા કંપની સેમટેકના જણાવ્યા મુજબ ભારત સાઈબર હુમલા માટે વિશ્વના પ્રમુખ દેશોમાં સ્થાન ધરાવે છે. જોકે આ યાદીમાં ભારતથી આગળ અમેરિકા અને ચીન રહેલા છે. પરંતુ તેઓ સાઈબર સુરક્ષા માટે ભારતની સરખામણીએ સુરક્ષાને લઈને વધુ સક્રિય છે. અમેરિકાના 36 સ્ટેટમાં વર્ષ 2018માં યોજાયેલી ગવર્નર ચૂંટણી દરમિયાન યુએસ સાઈબર કમાંડે રશિયાની ઈન્ટરનેટ એજન્સીનો સંપર્ક ઈન્ટરનેટ સુવિધાઓથી કાપી નાખ્યો હતો. 2 મે 2019ના રોજ રશિયાએ ઈન્ટરનેટ કાયદો પસાર કર્યો. ત્યાર બાદ રશિયા પોતાના ડીએનએસ સર્વરની મદદથી ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. 'રુનેટ'ના નામથી રશિયા ઈન્ટરનેટ સિસ્ટમ પર જલદી જ પરીક્ષણ શરુ કરશે.
ભારતે હજી સુધી ઈન્ટરનેટ અને સાયબર સુરક્ષા માટે રશિયા જેવા દેશો પાસેથી શીખ લીધી નથી. અધિકારીઓનું કહેવું છે કે, ભારતમાં સાયબર હુમલાનો ખતરો ઓછો છે. કારણકે ભારતના મોટાભાગના સિસ્ટમ એર ગેપ મોડમાં છે. જોકે ઈતિહાસ જણાવે છે કે, આગામી સમયના ખતરાને જોતાં આ વાત સાચી નથી.
અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમમાં વિક્ષેપ પાડ્યો હતો. અમેરિકાએ ડિજિટલ હથિયાર 'સ્ટોક્સ નેટ'ની મદદથી ઈરાનની 'નાનતેજ' યુરેનિયમ રિફાઇનરીને સાધનસામગ્રી પૂરી પાડતી ચાર સંસ્થાઓને ટાર્ગેટ કરી હતી. આમાંથી એક સંસ્થાના કર્મચારીએ નેનતાજ પ્લાન્ટના કમ્પ્યુટરમાં પેન ડ્રાઈવ લગાવી. જેના લીધે લગભગ 984 જેટલા 'ગેસ સેન્ટ્રલ ફ્યુઝ' નકામા થઈ ગયા. પરિણામે, ઈરાન હજી સુધી તેના પરમાણુ કાર્યક્રમ અંગે આગળ વધી શક્યું નથી.
વિશ્વની પ્રખ્યાત એન્ટી વાઈરસ પ્રોડક્ટ્સ કંપની કેસ્પર્સકીના જણાવ્યા મુજબ, માનવ ભૂલને કારણે વિશ્વભરની 90 ટકા કંપનીઓ સાયબર એટેક હેઠળ આવે છે. ચીન પણ અમેરિકાના સૈન્ય કોન્ટ્રાક્ટરોને ટાર્ગેટ બનાવીને પણ સંવેદનશીલ માહિતી પર હુમલો કરી રહ્યું છે. આ અગાઉ ચીને ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ પર સાયબર હુમલો કર્યો હતો. ચીનમાં ઉત્પાદિત હાર્ડવેર પણ જોખમી છે. ચીને અમેરિકામાં રહેલા સુપર માઇક્રો સર્વર્સની મદદથી અમેરિકાની સૌથી મહત્વની સંસ્થા સીઆઈએ ઉપર પણ સાયબર એટેક પણ શરૂ કર્યો છે.
ચીની કંપનીઓ ભારતમાં 5જી સેવાઓ માટે બોલી લગાવવાની તૈયારી કરી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે, આજના સમયમાં સાયબર યુદ્ધમાં 5જી ટેકનોલોજી ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. દેખીતી રીતે જ આ ટેકનોલોજીનો ઉપયોગ યુદ્ધ દરમિયાન વ્યૂહાત્મક શસ્ત્રોને મારવા અને કમાન્ડ સેન્ટરથી વધુ સારા કમ્યુનિકેશન માટે કરવામાં આવશે.
સાયબર હુમલાને લક્ષ્ય સુધી પહોંચાડવા સુરક્ષા વિભાગ સાથે જોડાયેલા લોકોની ઓળખ સોશિયલ મીડિયાથી કરવામાં આવે છે. એમાં એ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે જે ઈન્ટરનેટ સાથે જોડાયેલા હોય. જેને કોઈ પણ રીતે હેક કરીને તેના દ્વારા દેશના રક્ષાતંત્રમાં સાયબર હુમલો કરવા હથિયાર પહોંચાડવામાં આવે છે. જો આ રીતે પરિણામ ન આવે તો વાયરલેસના માધ્યમથી પણ સાયબર હુમલો કરવામાં આવે છે.
હાલના સમયમાં વારંવાર બનતી આ ઘટનાઓ સ્પષ્ટ રીતે જણાવે છે કે, આપણા દેશની સંવેદનશીલ સિસ્ટમમાં માલવેર એટેક કરવો અશક્ય નથી. અને હવે આપણે આ ખતરાને પહોંચી વળવા માટે પહેલાથી ઘણું વધારે ધ્યાન આપવાની જરુર છે.