નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે તણાવ ચાલી રહ્યો છે. ત્યારે મોસ્કોમાં બન્ને દેશના સંરક્ષણ પ્રધાનો વચ્ચે સૌપ્રથમ વખત બેઠક યોજાઈ હતી. ચીને શાંતિપૂર્ણ વાટાઘાટો માટે બેઠક યોજવા સંરક્ષણ પ્રધાન રાજનાથને મળવા વિનંતી કરી હતી.
જો કે, છેલ્લા ચાર મહિનામાં અનેક વખત ચીને શાંતિની વાટાઘાટો વચ્ચે સરહદ પર અવળચંડાઈ કરવાનું ચાલુ રાખ્યું છે. ભારતીય સૈન્ય તરફથી જણાવાયા મુજબ ત્રીજી સપ્ટેમ્બરે ઉત્તરીય સિક્કિમમાં એક મહિલા અને બે પુરુષ એમ ત્રણ ચીની નાગરિકો શૂન્ય ડિગ્રી તાપમાન દરમિયાન મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા.
અંદાજે 17,500 ફૂટની ઊંચાઈ પર ઉત્તરીય સિક્કિમના પઠાર ક્ષેત્રમાં ત્રણેય ચીની નાગરિકો રસ્તો ભૂલી ગયા હતા. ત્યારે ભારતીય જવાનોએ તેમને મદદ કરી હતી. ચીનના નાગરિકોને મુશ્કેલીમાં મૂકાયેલા જોઈને ભારતીય જવાનો તુરંત મદદ માટે પહોંચી ગયા હતા.
ભારતીય સૈન્યે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શૂન્ય ડિગ્રી કરતા પણ ઓછા તાપમાનના કારણે બધાના જીવ જોખમમાં હતા, પરંતુ ભારતીય સૈન્યના જવાનોએ તેમને બચાવવા માટે ઓક્સિજન, ભોજન અને ગરમ કપડાં સહિત તબીબી સહાયતા પૂરી પાડી હતી અને અત્યંત મુશ્કેલ વાતાવરણમાં તેમનો જીવ બચાવ્યો હતો.
ભારતીય સેનાએ તેમને યોગ્ય માર્ગ દેખાડવામાં મદદ કરી હતી. ત્યારબાદ તેઓ પરત જઈ શક્યા હતા. ચીનના નાગરિકોએ ભારતીય સૈનિકો તરફથી જે માનવતાભરી મદદ કરી તે બદલ ભારતીય સેનાનો આભાર વ્યક્ત કર્યો હતો. ચીને પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક અંકુશ રેખા પર તેનું આક્રમક વલણ હજુ પણ ઓછું નથી કર્યું તેવા સમયે ભારતીય સૈન્યે આ માનવતાપૂર્ણ અભિગમ દર્શાવ્યો છે.