સૂત્રોએ કહ્યું કે, RCEPમાં ભારતનું વલણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મજબુત નેતૃત્વ અને દુનિયામાં ભારતના વધતા કદને દર્શાવે છે.
ભારતના આ નિર્ણયને કારણે ભારતીય ખેડૂતો, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) તેમજ ડેરી ક્ષેત્રોને ખુબ જ મદદ મળશે.
પ્રાપ્ત વિગતો મુજબ, આ મંચ પર ભારતનું વલણ ખુબ જ વ્યવહારિક રહ્યું છે. ભારતે જ્યા ગરીબોના હિતની સુરક્ષાની વાત કરી છે તો બીજી તરફ દેશના સર્વિસ સેક્ટરને પણ ફાયદાની સ્થિતિ આપવાનો પ્રયાસ કર્યો છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, ભારતે વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક સ્પર્ધા અંગે કોઈ હિચકિચાટ નથી દેખાડી. તે સાથે જ તેમણે આ બાબત ભારપૂર્વક દર્શાવી કે, પરિણામ જે પણ આવે બધા દેશો અને તમામ પ્રદેશો માટે અનુકૂળ હોય.
RCEPમાં દસ એશિયન દેશો અને તેમના છ મુક્ત વ્યાપાર ભાગીદાર ચીન, ભારત, જાપાન, દક્ષિણ, કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ સામેલ છે.
RCEP કરારનો ઉદ્દેશ વિશ્વનો સૌથી મોટો મુક્ત વેપાર ક્ષેત્ર બનાવવાનો છે. 16 દેશોના આ જૂથની વસ્તી 6.6 અબજ છે. તે વિશ્વની લગભગ અડધી વસ્તી છે.
શનિવારે યોજાયેલી બેઠકમાં, RCEPના 16 દેશોના વેપાર પ્રધાનો ભારત દ્વારા ઉભા કરવામાં આવેલા બાકી પ્રશ્નોને ઉકેલવામાં નિષ્ફળ ગયા હતા. જો કે, આસિયાન સમિટ સિવાયના કેટલાક બાકી મુદ્દાઓને હલ કરવા માટે પડદા પાછળ વાટાઘાટો ચાલી રહી હતી.