ન્યૂઝ ડેસ્ક: પહેલાં સાર્સ કૉવ-2 અથવા કોરોના વાઇરસે દેશને ઘમરોળી નાખ્યો. તેની સાથે ઘર-વાસ (લૉકડાઉન) આવ્યું અને મૃત્યુ અને ચેપી લોકોની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળ્યો. તે પછી આપણે ધંધા-રોજગાર ખોલવાના સમયગાળામાં (અનલૉક) પ્રવેશ્યા, મોટા ભાગની સેવાઓ ચાલુ થઈ. તે પછી કોરોના વાઇરસનું યુકે સ્વરૂપ (સ્ટ્રેઇન) (VUI-202012/01) આવ્યું, જે વધુ ચેપી માનવામાં આવે છે પરંતુ અન્ય સ્વરૂપો કરતાં વધુ જીવલેણ નથી. અને હવે, શસ્ત્રભાથામાં ઉમેરો થયો છે પક્ષી ઇન્ફ્લુએન્ઝા અથવા બર્ડ ફ્લૂનો.
પક્ષી ઇન્ફ્લુએન્ઝા અથવા બર્ડ ફ્લૂથી દેશના ઘણાં બધાં રાજ્યો અસરગ્રસ્ત થયાં છે. તેથી દેશની કરોડરજ્જુમાં ધ્રૂજારી આવી ગઈ છે અને ભારત માટે તે તાજો ગભરાટનો વિષય છે.
ભોપાલમાં આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇ સિક્યોરિટી એનિમલ ડિસિઝીઝે રાજસ્થાનમાં પક્ષી ઇન્ફ્લુએન્ઝા વાઇરસની હાજરીની પુષ્ટિ કરી છે. ત્યાં સેંકડો કાગડા મરેલી સ્થિતિમાં મળી આવ્યા હતા. કેન્દ્રએ રાજ્યોને બર્ડ ફ્લુની સાવધાની (એલર્ટ) પહેલાં જ જાહેર કરી દીધી છે. અત્યાર સુધી મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ગુજરાત અને કેરળમાં બર્ડ ફ્લુના કેસો નોંધાયા છે.
હવાઇ ઇન્ફ્લુએન્ઝા શું છે?
હવાઇ ઇન્ફ્લુએન્ઝા (એઆઈ)ને સામાન્ય રીતે બર્ડ ફ્લુ નામે ઓળખવામાં આવે છે. તે એ પ્રકારના ઇન્ફ્લુએન્ઝા વાઇરસથી પક્ષીઓમાં થતો ચેપી રોગ છે. આ વાઇરસ સામાન્ય રીતે મરઘી જેમ કે ઘરેલુ મરઘી, ટર્કી, બતક, મોટી લાવરી અને માદા હંસ (ગીઝ)માં જોવા મળે છે. વન્ય જળચર પક્ષીઓ ખાસ કરીને ચોક્કસ વન્ય બતક, માદા હંસ (ગીઝ), હંસ, ગલ, શૉરબર્ડ (દરિયાકાંઠે જોવાં મળતાં પક્ષી) અને ટર્ન (Tern)- આ પક્ષીઓ એ પ્રકારના ઇન્ફ્લુએન્ઝા વાઇરસ માટે મોટા ભાગે કુદરતી યજમાન છે.
હવાઇ ઇન્ફ્લુએન્ઝા વાઇરસ કેવી રીતે પક્ષીઓને અસર કરે છે?
નિષ્ણાતો કહે છે કે ચેપગ્રસ્ત પક્ષીઓ તેમની લાળ, નાકમાંથી નીકળતો રસ અને મળ દ્વારા ઇન્ફ્લુએન્ઝા-એ વાઇરસ ફેલાવી શકે છે. નાજુક પક્ષીઓ જ્યારે ચેપગ્રસ્ત પક્ષીઓએ ફેલાવેલા વાઇરસના સંપર્કમાં આવે છે ત્યારે તેઓ ચેપગ્રસ્ત બને છે. અસરગ્રસ્ત પક્ષીઓ તરફથી વાઇરસથી દૂષિત થયેલી સપાટી દ્વારા પણ તેઓ ચેપગ્રસ્ત બને છે.
બર્ડ ફ્લુ માનવને કઈ રીતે અસર કરે છે?
તમામ પક્ષી ઇન્ફ્લુએન્ઝા વાઇરસ માનવોમાં રોગ ફેલાવતા નથી. જોકે કેટલાક માનવોને ચેપ લગાડી શકે છે અને તેનાથી ગંભીર બીમારીઓ આવી શકે છે. પરંતુ વાઇરૉલૉજિસ્ટ કહે છે કે વ્યક્તિથી વ્યક્તિમાં ચેપ ફેલાવવો અઘરો છે. મૂળ પક્ષી ઇન્ફ્લુએન્ઝા વાઇરસ H5N1 અને તેનો પેટા પ્રકાર H7N9નો ઇતિહાસ ગંભીર અસરોનો રહેલો છે અને કેટલીક વાર લોકોમાં જીવલેણ ચેપનો પણ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ) મુજબ, જ્યારે લોકોને ચેપ લાગે છે ત્યારે મૃત્યુ દર લગભગ ૬૦ ટકા છે.
તેના કેટલાં સ્વરૂપો છે?
૧૯૫૦માં તે પહેલી વાર ફરી વળ્યો હતો. તેનાં વીસ વર્ષ પછી તે ૧૯૯૭માં ફરી વાર દેખાયો હતો. વાઇરસમાં સતત ફેરફાર અને નવાં નવાં સ્વરૂપોથી વિશ્વભરના ૭૭ દેશોમાં તેનાં ૩૩થી વધુ સ્વરૂપો જોવાં મળ્યાં છે. H5N1, H5N2, H5N8, H7N8 જેવાં પક્ષી ઇન્ફ્લુએન્ઝા વાઇરસનાં વિવિધ સ્વરૂપોની ગણતરી ચાલુ છે ત્યારે પક્ષી ઇન્ફ્લુએન્ઝાનો રોગચાળો વૈશ્વિક જાહેર આરોગ્ય માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.
શું આ બર્ડ ફ્લુ વાઇરસ ચેપી છે?
મરઘીઓમાં રોગની તીવ્રતા અનુસાર બે શ્રેણીમાં પક્ષી ઇન્ફ્લુએન્ઝા વાઇરસને સામાન્ય રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. ઓછો રોગજનક, જ્યાં તેનાં સ્વરૂપો મરઘા/મરઘીઓમાં ઓછા અથવા કોઈ તબીબી લક્ષણો દર્શાવતાં નથી અને બીજો મરઘા/મરઘીઓમાં ઊંચો મૃત્યુ દર ધરાવતો પ્રકાર. ઇન્ફ્લુએન્ઝા વાઇરસ કદમાં નાનો અને માળખામાં સરળ છે પરંતુ તે વાઇરસ વધુ ફેરફાર થઈ શકે તેવા જીનોમ સાથે અત્યાધુનિક જીવ છે. બીજા શબ્દોમાં, તેઓ જનીન સાથે પ્રતિક્રિયા કરી શકે છે અને શરીરને નુકસાન થાય તે રીતે અસર કરી શકે છે.
ભારતને શરૂઆતમાં કયા સ્વરૂપે અસર કરી હતી?
H5N1 વાઇરસનો પ્રથમ રોગચાળો વર્ષ ૨૦૦૬માં ભારતમાં ફેલાયો હતો અને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુરમાં પહેલો બનાવ નોંધાયો હતો. ત્યાર પછી તે દેશમાં વારેવારે દેખાતો રહ્યો છે. મોટા ભાગના રોગચાળામાં H1N1 વાઇરસ જણાયો છે.
તો, નવું સ્વરૂપ કયું છે?
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇ સિક્યૉરિટી એનિમલ ડિસીઝે તેમને પાંચ રાજ્યોએ મોકલેલા નમૂનાઓમાં વાઇરસનાં બે સ્વરૂપ H5N1 અને H5N8ની ઉપસ્થિતિની પુષ્ટિ કરી છે. બર્ડ ફ્લુના કેસો હિમાચલ પ્રદેશમાં પ્રવાસી પક્ષીઓમાં, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કાગડાઓમાં અને હરિયાણામાં મરઘા/મરઘીઓમાં અને કેરળમાં બતકમાં જોવા મળ્યા છે.
અગાઉ કરતાં નવું સ્વરૂપ જુદું કઈ રીતે છે?
H5N1 સ્વરૂપ ઊંચી રોગજનક શ્રેણી હેઠળ આવે છે અને તેનાથી ગંભીર તબીબી લક્ષણો જન્મી શકે છે અને મરઘા વગેરે પક્ષીઓમાં તેનાથી મૃત્યુ દર પણ ઊંચો છે. H5N8 જે ભારતમાં આ વાઇરસનું નવું સ્વરૂપ છે, તેને નીચા રોગજનક શ્રેણીના વાઇરસ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. છેવટે તેનો અર્થ એ થાય કે મરઘા વગેરે પક્ષીઓમાં તેનાથી થોડાં અથવા કોઈ તબીબી લક્ષણો નહીં દેખાય.
ભારતમાં વાઇરસનો અત્યાર સુધી ફેલાવો
દેશભરમાં અત્યાર સુધી ચાર રાજ્યોનાં ૧૨ કેન્દ્રોમાં ફેલાવો હોવાનું જાણવા મળ્યું છે.
હિમાચલ પ્રદેશ
પક્ષી ઇન્ફ્લુએન્ઝા વાઇરસ રોગચાળાનો પહેલો કેસ પોંગ જળાશય ખાતે નોંધાયો હતો જ્યાં ૨,૫૦૦ પ્રવાસી પક્ષીઓ મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. બે કાળી પટ્ટીવાળા (બાર હૅડેડ) ગીઝને ખૂબ જ ખરાબ અસર થઈ હતી. રાજ્યના પ્રશાસને સાવધાનીના પગલા રૂપે ફતેહપુર, દેહરા, જવાલી અને ઇન્દોરા પેટા વિભાગોમાં મરઘા અને માછલીના વેચાણ પર પ્રતિબંધનો આદેશ આપ્યો છે.
રાજસ્થાન
તાજેતરના બર્ડ ફ્લુ રોગચાળાના લીધે ૩૩ પૈકી ૧૬ જિલ્લાને અસર થઈ છે. મુખ્ય પ્રધાન અશોક ગહલોતે પાર્ક, અભયારણ્યો બંધ કરવાં સૂચના આપી છે અને જ્યાં પક્ષીઓ આવે છે તેવાં તમામ સ્થળોએ તકેદારી વધારવા સલાહ પણ જાહેર કરી છે.
મધ્ય પ્રદેશ
રાજ્યના પશુ સંવર્ધન ખાતા મુજબ, ૩૭૬ જેટલા કાગડા મરેલા મળી આવ્યા છે જેમાં ઈન્દોરમાં ૧૪૬, અગર-માલવામાં ૧૧૨ મંદસૌરમાં ૧૦૦, ખરગોનમાં ૧૩ અને સિહોરમાં નવનો સમાવેશ થાય છે. મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે તેમના રાજ્યમાં કેરળ અને બીજાં દક્ષિણ રાજ્યોમાંથી આગામી દસ દિવસ માટે બર્ડ ફ્લુના ભયને ધ્યાનમાં રાખીને મરઘાનો માલ આવવા નહીં દેવાય.
કેરળ
અલાપ્પુઝા અને કોટ્ટયમ જિલ્લાઓમાં બર્ડ ફ્લુ રોગચાળો નોંધાયો તે પછી અત્યાર સુધીમાં ૪૮,૦૦૦ બતકોને મારી નખાયાં છે. ભોપાલમાં આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઇ સિક્યોરિટી એનિમલ ડિસીઝને નમૂના મોકલાયા પછી પક્ષી ઇન્ફ્લુએન્ઝાનો પેટા પ્રકાર H5N8 પકડાયો છે.
સરકાર શું કરી રહી છે?
મરઘાઓમાં પક્ષી ઇન્ફ્લુએન્ઝા વાઇરસના ફેલાવાને નિયંત્રણમાં રાખવું માનવ ચેપનું જોખમ ઘટાડવા માટે ખૂબ આવશ્યક છે. તદનુસાર, કેન્દ્રએ રાજ્યોને તકેદારી વધારવા જણાવ્યું છે જેથી વાઇરસનો ફેલાવો અંકુશમાં રાખવાનો પ્રયાસ થઈ શકે છે. અસરગ્રસ્ત રાજ્યોએ તો જ્યાંથી કેસો નોંધાયા છે તેવા વિસ્તારોમાં પહેલાં જ નિયંત્રણ કક્ષ સ્થાપિત કરી દીધાં છે અને રોગચાળો થાય તેવા કિસ્સામાં શું કરવું અને શું ન કરવું તે જણાવતી સલાહો જાહેર કરી છે. મૃત્યુની જાણ કરવા, વાઇરસનો ફેલાવો અટકાવવા અને વર્ષ ૨૦૧૫ની રાષ્ટ્રીય પક્ષી ઇન્ફ્લુએન્ઝા યોજના મુજબ ચેપગ્રસ્ત પક્ષીઓને મારી નાખવાને અનુસરવા માટે ત્વરિત પ્રતિભાવ ટીમોને સક્રિય રાખી છે.
મરઘા ખાવા માટે સુરક્ષિત છે?
યોગ્ય રીતે રાંધેલા મરઘા કે ઈંડાં દ્વારા માનવમાં A(H5), A(H7N9) અથવા અન્ય પ્રકારના પક્ષી ઇન્ફ્લુએન્ઝા ફેલાઈ શકે છે તેવું સૂચવતા કોઈ પુરાવા નથી. પરંતુ આ સાથે જ એવા બનાવો છે કે ઈંડાં ચેપી થઈ જાય છે, છાલની અંદર અને બહાર બંને રીતે. આથી, પોષણ નિષ્ણાતો કહે છે કે ઈંડાંની જરદીને અવગણવી સારી રહેશે. જો માંસને ૭૦ ડિગ્રી સેન્ટિગ્રેડથી વધુ તાપમાને પકવવામાં આવે તો તે સુરક્ષિત ગણાય છે. ધોરણ મુજબની સાવચેતી અનુસાર, 'હૂ'ની ભલામણ છે કે મરઘાં અને મરઘાંનાં ઉત્પાદનોને હંમેશાં સારી સ્વચ્છતાભરી રીતે જ તૈયાર કરવાં જોઈએ. અત્યારે ચિકન ખાવા સંદર્ભે કોઈ મોટું જોખમ નથી.
ભયના માર્યા વેચાણ થઈ રહ્યુ છે?
"ગત થોડા મહિનાઓથી, ઈંડાંનું વેચાણ વધ્યું છે તેનું કારણ કૉવિડ છે કારણકે વધુ ને વધુ લોકો ઈંડાંની પોષણ કિંમત વિશે જાગૃત થયા છે." તેમ આંતરરાષ્ટ્રીય ઈંડા પંચના અધ્યક્ષ સુરેશ ચિત્તુરી કહે છે. પરંતુ અહેવાલો એવા પણ છે કે તમિલનાડુમાં વેચાણના આંકડામાં નીચે તરફ ગતિ છે અને આ રાજ્યમાં ભાવ આંશિક રીતે ઘટ્યા છે.
સાવધાનીઓ
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, જ્યાં રોગચાળો ફેલાયો છે તેવા વિસ્તારોના ગ્રાહકોને કાચા મરઘા અને અન્ય ખાદ્ય સામગ્રી કે જે તેમના ખાવા પહેલાં રંધાશે નહીં તેની વચ્ચે ચેપ લાગવાનું જોખમ રહેલું છે તે ખબર હોવી જોઈએ. કાચા મરઘાં અને મરઘાં ઉત્પાદનોમાંથી નીકળતા રસને ભોજન તૈયાર કરતી વખતે કાચી ખવાતી સામગ્રીને અડવા કે તેની સાથે ભળવા ન દેવો જોઈએ. કાચાં મરઘાં કે કાચાં મરઘાં ઉત્પાદનોને સંભાળતી વખતે, ભોજન તૈયાર કરવામાં લાગેલી વ્યક્તિઓએ તેમના હાથ બરાબર ધોવા જોઈએ અને મરઘાં ઉત્પાદનોના સંપર્કમાં હોય તેવી સપાટીને સ્વચ્છ કરી ચેપમુક્ત બનાવવી જોઈએ. આ હેતુ માટે સાબુ અને ગરમ પાણી પૂરતાં છે.
મરઘાં ઉછેર ખેતરમાં કામ કરતા લોકો માટે
લોકોમાં H5N1 ચેપના લગભગ તમામ કિસ્સાઓ ચેપગ્રસ્ત જીવંત અથવા મૃત પક્ષીઓ અથવા H5N1 ચેપગ્રસ્ત પર્યાવરણ સાથે સંકળાયેલા છે. વાઇરસ માનવને સરળતાથી ચેપ લગાડતો નથી અને એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં તેનો ફેલાવો અસામાન્ય છે. પરંતુ ચેપગ્રસ્ત મરઘાંની હત્યા કરવી, પાંખો કાપી નાખવી, મૃતદેહનો નિકાલ કરવો અને મરઘાં ઉછેર કેન્દ્રોમાં કામ કરવું, ખાવા માટે મરઘાંને તૈયાર કરવા, ખાસ કરીને ઘરમાં, તે જોખમી પરિબળો છે.
"ભારતમાં બર્ડ ફ્લુ નવો નથી, પરંતુ મોટા ભાગનાં ખેતરો/કેન્દ્રો દ્વારા જૈવ સુરક્ષાનાં પગલાં અનુસરવામાં નથી આવતાં." તેવો સુરેશ ચિત્તુરીનો દાવો છે. "ખેતરો/કેન્દ્રોમાં કામ કરતી વખતે માસ્ક પહેરવું અને હાથ ધોવા તે મદદ કરી શકે છે. ચીન અને વિયેતનામ જેવા દેશોથી વિરુદ્ધ ભારતમાં પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓનો પાછળનો ભાગ અલગ રીતે દૂર કરાય છે. આથી ફ્લુનો વ્યાપક ફેલાવો સરળતાથી રોકી શકાય છે." તેમ તેમણે કહ્યું હતું.
રોગચાળો કેવી રીતે અટકાવવો?
"બર્ડ ફ્લુ કે જે પ્રવાસી પક્ષીઓ દ્વારા ફેલાયો છે તેનું નિરીક્ષણ કરવું સરળ નથી. અને તે ખૂબ જ ખર્ચાળ બની રહે છે. આથી, મારા મત અનુસાર, રસીકરણ એ શ્રેષ્ઠ ઉકેલ છે અને તેને તાત્કાલિક અનુમતિ આપવી જોઈએ." તેમ સુરેશ ચિત્તુરીએ જણાવતાં ઉમેર્યું હતું કે "મરઘાં પક્ષીઓના રસીકરણે બાંગ્લાદેશ, ચીન જેવા પડીશી દેશોમાં પરિણામો આપ્યાં છે."
માનવમાં પક્ષી ઇન્ફ્લુએન્ઝાનાં લક્ષણો કયાં છે?
ચેપનાં લક્ષણોમાં ભારે તાવ અને અસ્વસ્થતા, ઉધરસ, ગળું બેસી જવું અને સ્નાયુમાં દુઃખાવાનો સમાવેશ થઈ શકે છે. અન્ય શરૂઆતનાં લક્ષણોમાં પેટનો દુઃખાવો, છાતીનો દુઃખાવો અને ઝાડાનો સમાવેશ થઈ શકે છે. ચેપ આગળ વધીને શ્વસનની તીવ્ર બીમારી (દા.ત. શ્વાસ લેવામાં મુશ્કેલી કે ટૂંકા શ્વાસ, ન્યુમોનિયા, એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રૉમ) અને ચેતાતંત્રમાં ફેરફાર (બદલાયેલી માનસિક સ્થિતિ અથવા ખેંચ) લાવી શકે છે.
માનવમાં પક્ષી ઇન્ફ્લુએન્ઝાની સારવાર કેવી રીતે કરાય છે?
મોટા ભાગના કિસ્સાઓમાં, માનવમાં પક્ષી ઇન્ફ્લુએન્ઝા ગંભીર રોગમાં વિકસે છે જેની હૉસ્પિટલમાં તાત્કાલિક સારવાર કરવી જોઈએ અને તેના માટે સઘન સારવાર જરૂરી છે. 'હૂ' મુજબ, વાઇરસ વિરોધી દવા ઑસેલ્ટમિવિરથી બીમારીની તીવ્રતા ઘટી શકે છે અને મૃત્યુને અટકાવી શકાય છે અને તેનો ઉપયોગ તમામ કિસ્સાઓમાં કરાવો જોઈએ.
તેની રસી છે ખરી?
ઋતુગત ઇન્ફ્લુએન્ઝા રસીથી H5N1 ચેપ સામે સુરક્ષા મળતી નથી. H5N1 ચેપને અટકાવવા પરીક્ષણવાળી રસી વિકસાવાઈ છે, પરંતુ તે હજુ વ્યાપક ઉપયોગ માટે તૈયાર નથી.
પક્ષી ઇન્ફ્લુએન્ઝા H5N1 વાઇરસ વિશે આટલી બધી ચિંતા શા માટે છે?
ઇન્ફ્લુએન્ઝા વાઇરસ સતત જનીન સંબંધી ફેરફારો કર્યા રાખે છે. જો H5N1 વાઇરસ માનવમાં સરળતાથી પ્રસરે તેવો બની જાય તો તે ચિંતાનું કારણ બની જશે. માનવમાં H5N1નો ચેપ ગંભીર રોગ કરી શકે અને તેનો ઊંચો મૃત્યુદર છે. જો H5N1 વાઇરસ બદલાયા રાખે અને ગંભીર રોગ સર્જવાની તેની ક્ષમતા જાળવવાની સાથે તે વ્યક્તિથી વ્યક્તિમાં સરળતાથી પ્રસરી શકે તેવો બને તો જાહેર આરોગ્ય માટે પરિણામો ગંભીર હોઈ શકે છે.
-સુદેશ્ના નાથ, ઈટીવી ભારત