નવી દિલ્હી: ચીનની સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલે છ મુદ્દાઓને લઇને ટ્વીટ કરીને મોદી સરકારને ઘેરી લીધા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, 'મોદી મેડ ડિઝાસ્ટર'. આ સાથે જ તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આપત્તિઓને કારણે ભારતને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રાહુલે કહ્યું કે, જીડીપીમાં ઐતિહાસિક ઘટાડો- 23.9 ટકા, 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી, 12 કરોડ નોકરીઓ ખોરવાઇ, કેન્દ્ર રાજ્યોને જીએસટી વળતર નથી આપી રહ્યું. આ ઉપરાંત કોવિડ-19 પર રાહુલે કહ્યું કે, દુનિયામાં સૌથી વધુ કોરોના કેસ અને મોત ભારતમાં છે. સીમા પર વિદેશી ઘૂસણખોરી થઈ રહી છે.
રાહુલ ગાંધીએ આ છ મુદ્દાઓને લઇને વડાપ્રધાનને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જીડીપી વિકાસ દરમાં ઐતિહાસિક ઘટાડાને લઇને મંગળવારે સરકાર પર નિશાન સાધતાં દાવો કર્યો કે, અર્થવ્યસ્થાની બરબાદી નોટબંધીથી શરૂ થઇ હતી. ત્યારબાદ એક પછી એક ખોટી નીતિઓ અપનાવવામાં આવી હતી.
સરકારે અર્થવ્યવસ્થાને ડૂબોડી દીધી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાદ્રાએ આરોપ લગાવ્યો હતો કે, સરકારે દેશની અર્થવ્યવસ્થાને ડૂબોડી દીધી છે. અર્થવ્યવસ્થા અને જીડીપીના તાજા આંકડા બહાર આવ્યા બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સરકાર પર નિશાન સાંધ્યું છે.
તેમણે કોરોના સંકટમાં સરકાર દ્વારા જારી કરાયેલા રાહત પેકેજની તુલના હાથી દાંત સાથે કરી છે. પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે 'આજથી 6 મહિના પહેલા રાહુલ ગાંધીએ આર્થિક સુનામી આવવાની વાત કરી હતી. કોરોના સંકટ દરમિયાન હાથીના દાંત બતાવવા જેવા એક પેકેજની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ આજે સ્થિતિ જુઓ જીડીપી @ -23.9 ટકા જીડીપી. ભાજપ સરકારે અર્થવ્યવસ્થાને ડૂબાડી દીધી છે.