હૈદરાબાદ: વંદે ભારત મિશન અંતર્ગત વિશિષ્ટ ઉડાન દ્વારા 362 ભારતીયોને ગુરુવારે સ્વદેશ પરત લાવવામાં આવ્યા હતા. ફસાયેલા 362 ભારતીયોને અબુ ધાબીથી બે વિશિષ્ટ ફ્લાઇટ્સ દ્વારા ત્રિવેન્દ્રમ અને મુંબઇ પરત લાવવામાં આવ્યા હતા.
સંયુક્ત અરબ અમીરાતના ભારતીય દૂતાવાસે ટ્વીટ કર્યું હતું કે, વંદે ભારત મિશન અંતર્ગત અબુ ધાબીથી ત્રિવેન્દ્રમ અને મુંબઇની 2 વિશેષ ફ્લાઇટ્સ 362 મુસાફરોને પરત લઈ ગઈ છે.
વંદે ભારત મિશન તે ભારત સરકારની પહેલ છે, જેમાં વિશ્વના વિવિધ દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ભારત પાછા લાવવામાં આવી રહ્યા છે. કોરોના દ્વારા સર્જાયેલા સંકટને કારણે આંતરરાષ્ટ્રીય યાત્રા પર પ્રતિબંધિત મુકાયું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગુરુવારે કહ્યું કે, વંદે ભારત મિશન અંતર્ગત 29,034 પ્રવાસી શ્રમિકો સહિત કુલ 1,65,375 લોકો ભારત પરત ફર્યા છે.
વંદે ભારત મિશનના પ્રથમ તબક્કાની શરૂઆત 7 મે અને બીજા તબક્કાની શરૂઆત 16 મે ના રોજ થઈ હતી. મિશનનો ત્રીજો તબક્કો 11 જૂનથી શરૂ થયો છે, જે 30 જૂન સુધી ચાલશે.