નવી દિલ્હી: મળતી માહિતી મુજબ અંકિતના શરીર પર ચપ્પુના અસંખ્ય નિશાન મળી આવ્યા છે. તેના શરીરના દરેક ભાગ પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો એટલો નિર્દય હતો કે તેના આંતરડા પણ બહાર આવી ગયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, અંકિતની હત્યા ખૂબ જ નિર્દયતાથી કરવામાં આવી હતી. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર તેમણે ક્યારેય કોઈના શરીર પર ચપ્પુના આટલા ઘા જોયા નથી.
દિલ્હી હિંસામાં IBના કર્મચારી અંકિતની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ગત બુધવારે દિલ્હીના ચાંદ બાગમાંથી IB કર્મચારી અંકિત શર્માનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની હત્યા કર્યા બાદ મૃતદેહને ગટરમાં ફેંકી દેવામાં આવ્યો હતો. અંકિત ચાંદ બાગ વિસ્તારમાં રહેતો હતો અને તે નોકરી પરથી ઘરે પરત આવ્યો હતો. જ્યારે હિંસા થઈ ત્યારે તે ઘરેથી બહાર નીકળી માહિતી એકઠી કરવા લાગ્યો હતો. અંકિતના પરિવારે સ્થાનિક કાઉન્સિલર પર હત્યાનો આરોપ લગાવ્યો છે. જે તેના ઘરની નજીક રહે છે. 25 વર્ષીય અંકિત IBમાં સિક્યુરિટી આસિસ્ટન્ટની પોસ્ટ પર નોકરી કરતો હતો.