હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હિંદુવાદી નેતાઓમાં અગ્રેસર કમલેશ તિવારીની શુક્રવારે કરપીણ હત્યા થઈ હતી. આ કેસની તપાસ કરતાં એસએસપી કલાનિધિ નૈથાનીએ જણાવ્યુ હતું કે, કૈસરબાગ પાસેની ખાલસા ઈન હોટલમાં હત્યારાઓ રોકાયા હતાં. હોટલ પર તપાસ માટે પોલીસની ટીમ પહોંચી હતી. હોટલના રજીસ્ટર તપાસતાં આરોપીઓ શેખ અશફાખ હુસૈન અને પઠાણ મોઈનુદ્દીન અહમદના ના આઈડીથી રોકાયા હતાં.
બંને હોટલના રુમ નં G113માં રોકાયા હતાં. તેઓ 17 ઓક્ટોબરે રાત્રે 11.08 વાગ્યે હોટલમાં આવ્યા હતાં. 18 ઓક્ટોબરે બંને લોકો બહાર ગયા હતા અને 1.21 વાગ્યે પરત આવી ગયા હતાં. ત્યારપછી તેમણે હોટલ છોડી દીધી હતી. હોટલના આ રૂમની તપાસ કરતાં તેના કબાટમાંથી લોઅર, લાલ રંગનો કુર્તો ઉપર ભગવા રંગનો કુર્તો પણ મળી આવ્યો હતો. પોલીસને મળેલા ભગવા રંગના કુર્તા ઉપર લોહીના દાઘા પણ જોવા મળ્યા હતાં.
આ સાથે JIO ફોનનો ડબ્બો, સેવિંગ કિટ, ચશ્માનું ખોખુ પણ મળી આવ્યુ હતું. પોલીસે ફોરેન્સિક ટીમને આ સામાન સુપ્રત કર્યો હતો. પોલીસ હાલ પુરતો આ રૂમને સીલ કરી દીધો છે.