નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે દિલ્હીના નિઝામુદ્દીન મરકઝ મામલે મૌલાના સાદ વિરુદ્ધ ચાલી રહેલી તપાસમાં દિલ્હી પોલીસથી એનઆઈએમાં ટ્રાન્સફર કરવા માટેની માર્ગદર્શિકા જારી કરવાની માંગણીની અરજી પર સુનાવણી સ્થગિત કરી દીધી છે. આ મામલે આગામી સુનાવણી 28 મેના રોજ હાથ ધરવામાં આવશે.
જસ્ટિસ સિદ્ધાર્થ મૃદુલની અધ્યક્ષતાવાળી બેંચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી કર્યા બાદ અરજદાર પાસેથી તપાસના ટ્રાન્સફર સંબંધિત નિર્ણયોની માહિતી માંગી હતી. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે આ અરજીનો વિરોધ કર્યો હતો. દિલ્હી પોલીસે કહ્યું કે, આ કેસમાં તપાસ યોગ્ય દિશામાં થઈ રહી છે.
આ અરજી મુંબઈના વકીલ ઘનશ્યામ ઉપાધ્યાયે કરી છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે, તબલીઘી જમાત કાર્યક્રમમાં હજારો લોકોને એકઠા કરીને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે કોરોના વાઈરસને રોકવા માટે આ માર્ગદર્શિકા બહાર પાડી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ઘટનાના ઘણા દિવસો વીતી ગયા છતાં દિલ્હી પોલીસ મોહમ્મદ સાદની ધરપકડ કરી શકી નથી.
અરજીમાં માંગ કરવામાં આવી છે કે, આ કેસની તપાસ દિલ્હી પોલીસથી એનઆઈએને સોંપવામાં આવે. હાઇકોર્ટ આ તપાસ પર નજર રાખે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે, મૌલાના સાદે કોરોનાના ચેપને દેશના જુદા જુદા ભાગોમાં ફેલાવવાનું કાવતરું ઘડ્યું હતું. દિલ્હી પોલીસે 31 માર્ચે 7 લોકો સામે એફઆઈઆર નોંધી હતી.
અરજીમાં જણાવાયું છે કે, EDએ પણ મોહમ્મદ સાદ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. અરજીમાં જણાવાયું છે કે, મોહમ્મદ સાદે યુએપીએ હેઠળના કાયદા હેઠળ ગુનો કર્યો હતો. તે છતાં પોલીસ મોહમ્મદ સાદની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી છે.