નવી દિલ્હી: કોરોના અનલોક-1માં ધાર્મિક અને પૂજન સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ અને શોપિંગ મોલ 8 જૂનથી ખુલશે. આ અંગે આરોગ્ય મંત્રાલયે મોલ્સ, ઓફિસ, હોટલ, રેસ્ટોરન્ટ વગેરે માટેની નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ બધાનું કડક પાલન કરવું પડશે અને નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
આજે દેશમાં કોવિડ-19ના 9304 નવા કેસ નોંધાયા છે. જેથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 2,16,919 થઈ ગઈ છે, જ્યારે આજે વધુ 260 લોકોના મોતથી દેશમાં મૃત્યુઆંક 6,075 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે, અમેરિકા, બ્રાઝિલ, રશિયા, બ્રિટન, સ્પેન અને ઇટાલી પછી કોવિડ-19 સૌથી વધુ અસરગ્રસ્ત દેશમાં ભારત હવે સાતમા ક્રમે છે.
આ અંગે આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, ગુરુવારે સવારે 8 વાગ્યા સુધી દેશમાં સંક્રમણના 1,06,737 કેસ છે. સરકારી આંકડા મુજબ, દેશમાં સતત પાંચમા દિવસે સંક્રમણના 8,000થી વધુ કેસ નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં 1,04,107 લોકો સાજા થયાં છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3804 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં રિકવરી રેટ હવે 47.99 ટકા પર પહોંચ્યો છે.