નવી દિલ્હી: દેશમાં હવે કોરોના વાઇરસના 2301 કેસ સામે આવ્યા છે અને 56 લોકોના મોત નિપજ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે સમગ્ર જાણકારી આપી હતી. તેઓએ કહ્યું કે તબલીઘી જમાતના કારણે દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. આ સાથે જણાવ્યું કે 56માંથી 12 લોકોના ગુરુવારના રોજ મોત નિપજ્યા છે.
લવ અગ્રવાલે વધુમાં જણાવતા કહ્યું કે, છેલ્લા બે દિવસોમાં તબલીઘી જમાત સાથે જોડાયેલા 647 લોકોના કોરોના વાઇરસ ટેસ્ટ સામે આવ્યા છે. જેમાં 14 રાજ્યમાંથી યુપી, અંદમાન નિકોબાર, અસમ, દિલ્હી, હિમાચલ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગણા અને ઉત્તરાખંડ સામેલ છે.
લવ અગ્રવાલે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં 356 નવા કેસ સામે આવ્યા છે. જેમાં 156 દર્દી સ્વસ્થ થવા પર હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
સંયુક્ત સચિવે કહ્યું કે દેશની કોઇ પણ એક પણ ભુલથી દેશ પાછળ જઇ શકે છે.
લવ અગ્રવાલે વધુમાં જણાવ્યું કે સરકારે ગુરુવારે આરોગ્ય સેતુ નામની એપ લોન્ચ કરી હતી. આ એપ દ્વારા તમે કોઇ પણ કોરોના પોઝિટિવ દર્દી પાસે પહોંચો ત્યારે આ એપના માધ્યમથી નોટીફીકેશન પ્રાપ્ત થશે. અત્યાર સુધીમાં 30 લાખ લોકોએ આ એપને ડાઉનલોડ કરી છે. આ તકે લવ અગ્રવાલે આગ્રહ કર્યો છે કે તમે પણ આ એપને ડાઉનલોડ કરો કારણ કે એક વ્યક્તિ સુરક્ષીત રહેશે તો બધા સુરક્ષીત રહેશે.