નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે ખર્ચાળ અને મોટાપાયે ઉપયોગમાં લેવાતી સ્ટિરોઇડ ડિક્સામેથેસનનો કોવિડ-19ના સાધારણથી ગંભીર સ્ટેજનાં લક્ષણ ધરાવનારા દર્દીઓની સારવારના પ્રોટોકોલમાં સમાવેશ કર્યો હતો.
અપડેટ કરવામાં આવેલા ‘ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ્સ ફોર કોવિડ-19’ ડિક્સામેથેસનનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. આ દવા તેની એન્ટી-ઇન્ફ્લામેટરી અને ઇમ્યુનોસપ્રેસિવ અસરો માટે વ્યાપક શ્રેણીની સ્થિતિમાં ઉપયોગમાં લેવામાં આવે છે. કોવિડ-19ના સાધારણ તથા ગંભીર કેસોની સારવાર માટે મિથાઇલપ્રેડનીસોલોનના વિકલ્પ તરીકે ડિક્સામિથેસનના ઉપયોગની સલાહ આપવામાં આવી છે.
ખાસ કરીને અસરકારક દવાઓની દ્રષ્ટિએ કોવિડ-19 વિશેના જ્ઞાનમાં થઇ રહેલા વધારા સાથે કદમ મીલાવીને તાજેતરના ઉપલબ્ધ પુરાવા અને નિષ્ણાતો સાથેની સલાહ મસલતના આધારે આ ફેરફાર કરવામાં આવ્યો છે, તેમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રતી સુદાને આ અપડેટેડ પ્રોટોકોલ તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને પણ આગળ મોકલી દીધો છે, જેથી સંસ્થાકીય સ્તરે પણ નવા પ્રોટોકોલ્સ તેમજ ડિક્સામિથેસનના વપરાશની પ્રાપ્યતા માટે જરૂરી વ્યવસ્થા કરી શકાય, તેમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
આરોગ્ય મંત્રાલયે બિમારીના સાધારણ તબક્કામાં હોય તેવા કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે 13મી જૂને નિયંત્રિત ઇમર્જન્સી ઉપયોગ માટે એન્ટિવાઇરલ દવા રેમડિસીવાઇર તથા રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરતી દવા ટોસીલાઇઝુમેબ અને કોન્વેલસેન્ટ પ્લાઝમાનો સંશોધનાત્મક ઉપચાર તરીકે ઉપયોગ કરવાની પરવાનગી આપી હતી.
સાથે જ તેણે બિમારીના પ્રારંભિક તબક્કા દરમિયાન તથા ગંભીરપણે બિમાર ન હોય તેવા દદર્દીઓ માટે હાઇડ્રોક્સીક્લોરોક્વીનની પણ ભલામણ કરી હતી. આ દવાઓનો ઉપયોગ સંશોધનાત્મક ઉપચાર હેઠળ ‘ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલ્સ ફોર કોવિડ-19’માં સમાવિષ્ટ કરવાનું કાર્ય યથાવત્ છે.
સાધારણ લક્ષણો ધરાવતા કેસો માટે અપડેટેડ સારવારના પ્રોટોકોલ્સમાં મિથાઇલપ્રેડનીસોલોન 0.5થી એક મિગ્રા/કિગ્રા અથવા ડિક્સામિથેસન 0.1થી 0.2 મિગ્રા/કિગ્રા ત્રણ દિવસ માટે અને સામાન્યપણે હોસ્પિટલમાં દાખલ કર્યાના 48 કલાકની અંદર અથવા તો જો ઓક્સિજનની જરૂરિયાત વધે અને જો ઇન્ફ્લામેટરી લક્ષણો વધતાં જણાય, તેવા સમયે આપવાની સલાહ આપવામાં આવી છે.
દવાના બે ડોઝ વચ્ચેની સમય અવધિની ક્લિનિકલ પ્રતિક્રિયાના આધારે સમીક્ષા કરવી જોઇએ, તેમ મંત્રાલયે જણાવ્યું હતું. મિકેનિકલ વેન્ટિલેશનની જરૂરિયાત ધરાવતા શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહેલા દર્દીઓ માટે મિથાઇલપ્રેડનિસોલન 1 – 2 મિગ્રા/કિગ્રા પ્રતિ દિન અથવા ડિક્સામેથેસન 0.2થી 0.4 મિગ્રા/કિગ્રા પ્રતિ દિન પાંચથી સાત દિવસ માટે (જો અગાઉ આપવામાં ન આવી હોય, તો) બે જુદા-જુદા ડોઝમાં આપવાની સલાહ આપવામાં આવી હોવાનું મંત્રાલયે જણાવ્યું હતું.
સારવારના પ્રોટોકોલ્સમાં જણાવ્યા મુજબ, "એ નોંધવાનું રહેશે કે, ગ્લુકોકોર્ટિકોઇડનો મોટો ડોઝ ઇમ્યુનોસપ્રેસિવ અસરોને કારણે કોરોનાવાઇરસને દૂર કરવાની સ્થિતિને પાછી ઠેલશે."
શનિવારે માત્ર એક જ દિવસમાં 18,552 કેસો નોંધાવા સાથે કેસોની સંખ્યામાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો થયો હતો. જ્યારે, કુલ મૃત્યુ આંક 15,685 થયો છે. તે સાથે ભારતમાં કોરોનાના દર્દીઓનો કુલ આંક પાંચ લાખને પાર થઇ જતાં સુધારાયુક્ત સારવાર પ્રોટોકોલ્સ જારી કરવામાં આવ્યા હતા.
ડિક્સામિથેસન એ તેની એન્ટી-ઇન્ફ્લામેટરી અને ઇમ્યુનોસપ્રેસિવ અસરોને કારણે વ્યાપક શ્રેણીની સ્થિતિમાં વપરાતી કોર્ટિકોસ્ટિરોઇડ દવા છે.
મંત્રાલયે જણાવ્યા અનુસાર, "રિકવરી ક્લિનિકલ ટ્રાયલમાં કોવિડ-19ના હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ પર આ દવાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં, ગંભીર રીતે બિમાર દર્દીઓ માટે આ દવા લાભદાયક જણાઇ હતી અને તેના કારણે વેન્ટિલેટર પર હોય તેવા દર્દીઓનું મૃત્યુ નીપજવાના પ્રમાણમાં એક તૃત્યાંશ ઘટાડો, જ્યારે ઓક્સિજન થેરેપી પર રાખવામાં આવેલા દર્દીઓના મૃત્યુ નીપજવાના પ્રમાણમાં એક પંચમાંશ ઘટાડો નોંધાયો છે."
આ દવા નેશનલ લિસ્ટ ઓફ ઇસેન્શિયલ મેડિસિન્સ (NLEM)નો પણ ભાગ છે અને તે વ્યાપક સ્તરે ઉપલબ્ધ છે, તેમ મંત્રાલયે જણાવ્યું હતું.