હજારેએ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લા સ્થિત પોતાના રાલેગણસિદ્ધિ ગામમાં શુક્રવારે આ મૌન વ્રત શરુ કર્યું છે. હજારેએ 9 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીને પત્ર લખી જાણ કરી છે કે, તેઓ 20 ડિસેમ્બરના રોજ મૌન વ્રત રાખશે. હજારેએ એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે, મેં નિર્ભયા કેસમાં ઝડપી ન્યાય માટે મૌન વ્રત શરુ કર્યું છે અને જો નહીં મળે તો અનિશ્ચિતકાળ સુધી ઉપવાસ પર ઉતરી જઈશ.
તેમણે આગળ જણાવ્યું હતું કે, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ વધી રહ્યા છે. દેશના લોકોએ ન્યાય અને પોલીસની પ્રક્રિયામાં ઢીલાસના કારણે હૈદરાબાદની ઘટના પર આરોપીના એન્કાઉન્ટરનું સ્વાગત કર્યું છે.
તેમણે આગળ વધુમાં જણાવ્યું હતું કે, ન્યાય મળવામાં મોડુ થવાથી લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે. તેમણે મહિલા વિરુદ્ધના કેસમાં ઝડપી ન્યાયની માગ કરી છે. ઉપરાંત તેમણે સંસદમાં ન્યાયિક જવાબદારી બિલ પાસ કરાવવાની પણ માગ કરી છે. ન્યાયાધીશોના ખાલી પદ ભરવામાં આવે અને પોલીસ બળમાં સુધારા અને સુપ્રીમ કોર્ટના આદેશના પણ લાગુ કરવામાં આવે.