નવી દિલ્હી: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કેન્દ્રીય ખાદ્ય પ્રધાન હરસિમરત કૌર બાદલનું રાજીનામું સ્વીકારી લીધું છે.
કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમરને હવે અન્ન સંપાદન મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.શિરોમણી અકાલી દળના નેતા અને કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલે કૃષિ સંબંધિત બિલના વિરોધમાં કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું હતું.કૌરએ ટ્વિટર પર રાજીનામું આપ્યું હતું. તેમણે ટ્વિટ કર્યું કે, "ખેડૂત વિરોધી વટહુકમો અને કાયદાના વિરોધમાં મેં કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે."
કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી અકાળી દળના કોટામાંથી પ્રધાન હરસિમરત કૌર બાદલે રાજીનામું આપ્યું છે. જો કે અકાળીદળનું સરકારને સમર્થન ચાલુ રહેશે. અકાલી દળના અધ્યક્ષ અને હરસિમરત કૌરના પતિ સુખબીરસિંહ બાદલે સંસદમાં રજૂ થયેલા કૃષિ બિલનો વિરોધ કર્યો હતો.
ખેડૂતો સાથે સંબંધિત ત્રણેય ખરડાઓને લઈને પંજાબના ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે. અકાલી દળે આ મામલામાં પોતાના સાંસદોને વ્હિપ જાહેર કરીને મોનસૂન સત્રમાં આવનારા ત્રણેય બિલની વિરુદ્ધ વોટ કરવા જણાવ્યું છે.