હૉલમાર્કિંગ એ શુધ્ધતાનું માપદંડ છે, જે સોના, ચાંદી અને કિંમતી ધાતુના ઘરેણા પર લગાવવામાં આવે છે. જ્યારે BIS એ ગુણવત્તા માટે સત્તાવાર રીતે હૉલમાર્કિંગ સિસ્ટમ લાગુ કરી છે. ભારતમાં સોનાના દાગીના પર હૉલમાર્કિંગ વર્ષ 2002થી અને ચાંદીના દાગીના પર 2004થી લાગુ કરાયું હતું, જો કે તે અત્યાર સુધી આવશ્યક નહોતું. પરંતુ કેન્દ્ર સરકાર સોનાના દાગીનામાં હૉલમાર્ક ફરજિયાત કરવાની તૈયારીઓ કરી રહ્યું છે અને તે અનુસાર આગામી વર્ષથી 14, 18 અને 22 કેરેટ હૉલમાર્કવાળા સોનાના દાગીના વેચી શકાશે. સોનાના દાગીના પર હૉલમાર્કિંગનો એક લોગો હશે, અને તેના પર લાગેલા નિશાનનથી તેની શુધ્ધતા નક્કી થશે, 14 કેરેટનું દાગીના હોય તો તેની શુધ્ધતા 58.3 ટકા, 18 કેરેટના દાગીના હોય તો તેની શુધ્ધતા 75 ટકા, 20 કેરેટની શુધ્ધતા 83.3 ટકા અને 22 કેરેટના દાગીના હોટ તો તેની શુધ્ધતા 91.07 ટકા હશે. એટલે કે 22 કેરેટ દાગીનામાં સોનાની માત્રા 91.7 ટકા હશે.
ગ્રાહકોના મામલાના કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને માહિતી આપતાં જણાવ્યું હતું કે, સોનાની ગુણવત્તા નક્કી કરવા માટે આ વ્યવસ્થા ઉભી કરાઈ છે અને હૉલમાર્ક સાથે જોડાઈ જવા માટે સોનાના દાગીનાનું વેચાણ કરતાં જ્વેલર્સોને એક વર્ષનો સમય સરકારે આપ્યો છે. જે દરમિયાન તે બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ(બીઆઈએસ)માં નોંધણી કરાવી શકે છે, અને દાગીના પર હૉલમાર્ક લગાવીને વેચી શકે છે. તેમણે કહ્યું હતું કે ગ્રાહકોને સોનાની સાચી ઓળખ થાય તે માટે ચાર ચિહ્નો ધ્યાનમાં રાખવાના રહેશે. જેમાં બીઆઈએસ માર્ક, કેરેટમાં શુદ્ધતા, તપાસ કરનાર કેન્દ્રનું નામ અને જ્વેલર્સની ઓળખનું નિશાન સામેલ છે.
દેશમાં હાલના સમયમાં 234 સ્થળો પર સોનાના 892 તપાસ કેન્દ્ર છે. 28,849 જ્વેલર્સે બીઆઈએસમાં હૉલમાર્ક માટે નોંધણી કરાવેલી છે. સરકારે દરેક જિલ્લામાં હૉલમાર્ક સેન્ટર ખોલવાનો લક્ષ્ય રાખ્યો છે. તેન માટે ગ્રાહક જાગૃત થાય તે માટે અભિયાન પણ શરૂ કરાશે.