હૈદરાબાદ :દેશની જનસંખ્યાનો અડધોઅડધ ભાગ મહિલાઓથી બનેલો છે. તેમની સામે ગયા વર્ષે પ્રતિ દિવસ સરેરાશ ૮૭ કેસ બળાત્કારના નોંધાયા હતા જે મહિલાની પ્રતિષ્ઠા અને માતૃત્વ પર ધબ્બા સમાન છે! સાત વર્ષ પહેલાં ન્યાયમૂર્તિ જે. એસ. વર્મા સમિતિએ કડવું સત્ય જાહેર કર્યું હતું કે કાયદાનો અભાવ નહીં પણ સુશાસનો અભાવ અને કાયદાના શાસનના ભયનો અભાવ આ અસુરક્ષાના વાતાવરણ માટે જવાબદાર છે. રોગના મૂળ કારણની યોગ્ય સારવાર વગર માત્ર માર્ગદર્શિકા જાહેર કરી દેવાથી કે કાયદાઓમાં સુધારા કરવાથી વિષમતા દૂર કરવી અશક્ય છે. કેન્દ્રીય ગૃહ ખાતાએ ૧૬ મેએ, ગયા વર્ષે પાંચ ડિસેમ્બરે અને આ મહિનાની પાંચ તારીખે રાજ્યોને સૂચના આપી દીધી છે કે મહિલાઓ સામેના અપરાધોના કેસમાં પોલીસ દ્વારા કડક પગલાં લેવાવાં જોઈએ.
કેન્દ્રએ તાજેતરમાં સ્પષ્ટ કર્યું હતું કે મહિલાઓ પર જાતીય હુમલાના કેસોમાં અધિકાર ક્ષેત્રનો કોઈ પણ વિચાર કર્યા વગર કોઈ પણ પોલીસ મથકમાં એફઆઈઆર દાખલ કરવી ફરજિયાત છે. સીઆરપીસીની કલમ ૧૭૩ ચેતવણી આપે છે કે તપાસ ૬૦ દિવસની અંદર પૂર્ણ થવી જ જોઈએ અને તપાસમાં જો ઉપેક્ષા થશે તો ગંભીર સજા થશે. તે દર્શાવે છે કે આરોપોની નોંધણી પછી 'તપાસની ભાળ મેળવતી' પ્રણાલિ દ્વારા તપાસ પર સમયાંતરે નજર રાખવી જરૂરી છે.
વર્ષ ૨૦૧૩માં સર્વોચ્ચ ન્યાયાલયે ઠરાવ્યું હતું કે ફોજદારી પ્રક્રિયા સંહિતાની કલમ ૧૫૪ હેઠળ એફઆઈઆર નોંધણી ફરજિયાત છે. તેણે પોલીસ તંત્રનું માર્ગદર્શન કરી શકે તેવા આઠ નિર્દેશો પણ બહાર પાડ્યા હતા. જ્યાં સુધી પોલીસ સરકારને આધીન છે અને રાજકીય ઉપરીઓના આદેશને માનવું પડે છે ત્યાં સુધી ગુંડાઓ અને અપરાધીઓ મહિલા પર તેમની ઈચ્છા મુજબ અત્યાચારો કરતા રહેશે અને તેમને અંધ વિશ્વાસ અને અહંકાર હશે કે તેઓ રાજકીય દબાણ સાથે બચી જઈ શકશે. માર્ગદર્શિકાના પુનરોચ્ચારના બદલે તેમનો તાત્કાલિક ધોરણે લોખંડી ઈચ્છાથી અમલ કરાવવાની આવશ્યકતા છે.
જો ધૃણાસ્પદ અપરાધોના દોષિતોને સજા ન થાય તો આવા તમામ કેસોમાં તપાસ કરનાર અને સરકારી વકીલોની ભૂમિકાની કડક તપાસ થવી જોઈએ. વર્ષ ૨૦૧૪માં ન્યાયપાલિકાએ ઠરાવ્યું હતું કે ખોટું કરવા માટે તેમને જવાબદેહી ઠરાવવા જોઈએ અને વિભાગીય રીતે સજા થવી જોઈએ. તે વખતે નિર્દેશ આપ્યા મુજબ છ મહિનાની અંદર આવશ્યક તંત્ર સર્જવામાં સરકારો નિષ્ફળ ગઈ હોવાથી, અપરાધી પ્રવૃત્તિઓ નિરંકુશ રીતે થઈ રહી છે.
પ્રકાશસિંહ કેસમાં વર્ષ ૨૦૦૬માં સર્વોચ્ચ ન્યાયાલયે સાત સ્પષ્ટ આદેશો આપ્યા હતા કે જો અપરાધીઓની ઉપેક્ષા વગર કાયદાનું શાસન જાળવવું હોય તો પોલીસ સુધારાઓ આવશ્યક છે પરંતુ એક પણ રાજ્યએ નિષ્ઠાપૂર્વક તેનું અનુપાલન કર્યું નથી. જ્યારે નિર્લજ્જ નફ્ફટાઈથી અપરાધી રાજકારણ કરવામાં આવે અને જ્યારે પોલીસ સંગઠને માત્ર તેની ચમચાગીરી જ કરવાની હોય ત્યારે સામાજિક ન્યાય કેવી રીતે મેળવી શકાશે? તે જ વર્ષે સર્વોચ્ચ ન્યાયાલયના વી. એન. ખરેએ સંકેત આપ્યો હતો કે ફોજદારી ન્યાય પ્રણાલિને મજબૂત કરવા પાંચ શક્તિશાળી સૂચનો પાળવાં જોઈએ અને તેને 'પંચશીલ' સાથે સરખાવ્યાં હતાં! પહેલું સૂચન સરકારી વકીલ સરકારના નિયંત્રણમાંથી લઈ લઈ ચૂંટણી પંચ જેવી સ્વતંત્ર સંસ્થા સ્થાપિત કરવવાનું છે. અન્ય સૂચન સ્વતંત્ર ફોજદારી તપાસનું છે. ત્રીજું પોલીસને અપાયેલાં નિવેદનને ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રેકૉર્ડ કરાવવું જોઈએ અને તેને મહત્ત્વનો પુરાવો ગણાવો જોઈએ અને કેસના ખટલા પહેલાં ન્યાયાલયને તે સુપ્રત કરાવો જોઈએ. સાક્ષીની સુરક્ષા એ ચોથું અને છેલ્લું નિર્દોષ છોડી મૂકવા સામે અપીલની સત્તા પીડિતાઓને આપવાનું છે! લઘુતમ સજાનાં કારણો ટાંકતા, કાયદા પંચે બહુ પહેલાં ૨૦૧૨ની શરૂઆતમાં સૂચવ્યું હતું કે સરકારી વકીલોની ભરતીની પ્રક્રિયામાં સુધારો કરવો જોઈએ.