નવી દિલ્હીઃ ભારત-ચીન વચ્ચે સરહદીય વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ચીન સામે લડવા LACના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં બોર્ડર પર ચીનની ઘુસણખોરી રોકવા માટે સરકારે સેનાને ખુલ્લી છૂટ આપી દીધી છે.
મહત્વનું છે કે, લગભગ 6 અઠવાડિયાથી ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં તણાવ ચાલી રહ્યો છે, ત્યારે 15 જૂનની રાતે ચીન અને ભારતના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતાં. જો કે, ચીને હજુ તેના કેટલા જવાન મર્યા છે એ અંગે કોઈ જાણકારી આપી નથી.
તાજેતરમાં ગાલવાન ખીણમાં ચીની સૈનિકો દ્વારા કરવામાં આવેલા હુમલા પછી ભારતીય સેનાએ એલએસી પરના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. પરિસ્થિતિને હેન્ડલ કરવા માટે લશ્કરી સ્તરે કોઈપણ પગલા લઈ કાર્યવાહી કરવાની પુરી મંજૂરી આપવામાં આવી છે. સરકાર સામે થયેલા સવાલો બાદ ભારતીય સૈનિકોને હથિયાર વહન કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. હવે એલએસી પર નવા નિયમોને આધારે કમાન્ડિંગ ઓફિસરને પરિસ્થિતિને સંભાળવા લશ્કરી સ્તરે કોઈપણ પગલા લેવાની મંજૂરી મળી છે.
નવા નિયમ મુજબ પરિસ્થિતિને સંભાળવા માટે હવે એલએસી પર તૈનાત કમાન્ડર સૈનિકોને કાર્યવાહીની પૂર્ણ સ્વતંત્રતા મળી છે. કમાન્ડર હવે શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે અને તમામ સંસાધનોની મદદથી પરિસ્થિતિને કાબૂમાં લાવવા કાર્યવાહી કરી શકે છે.
હકીકત એવી છે કે, 1996ના કરાર મુજબ, એલએસી સહિત સરહદી વિસ્તારોમાં બંને બાજુ તૈનાત સશસ્ત્ર દળ કોઈ લશ્કરી તાકાતમાં ભાગ લઈ શકે નહીં. આ સૈન્યમાંથી કોઈ પણ એકબાજાની એવી કોઈ પ્રવૃત્તિમાં ભાગ નહીં કે, જેનાથી બીજી તરફ હુમલો કરા શકાય અથવા ભારત-ચીન સરહદ વિસ્તારોની શાંતિ અને સ્થિરતાને જોખમમાં મૂકાય.
સમગ્ર વિવાદ અંગે ભારત સરકારનું કહેવું છે કે, ગલવાન ઘાટી પર ચીન જે દાવો કરી રહ્યું છે એ અમને મંજૂર નથી. ગલવાન પર લાંબા સમયથી સ્થિતિ સ્પષ્ટ છે. ભારતીય જવાનો LACને સારી રીતે પાલન કરે છે. ભારતે ક્યારેય સીમા ઓળંગી નથી. સરહદ પર દરેક નિર્માણકાર્ય ભારતીય હદમાં જ છે. આમ, ભારતના નક્શામાં બોર્ડર સ્પષ્ટ છે. 60 વર્ષમાં 43 હજાર વર્ગકિમી વિસ્તાર પર અતિક્રમણ વિશે દેશ જાણે છે. સરકાર LACમાં એકતરફી પરિવર્તનની મંજૂરી નહીં આપે.