હાલના સમયમાં પશ્ચિમ બંગાળ અને કેરળના રાજ્યપાલોએ પણ વિવાદો ઊભા કર્યા છે અને સંઘના ઢાંચામાં તિરાડ પાડવાનું કામ કર્યું છે. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન એવું માને છે કે, કેન્દ્ર સરકારના કાયદાને સમર્થન આપવાની તેમની અંગત જવાબદારી છે. તે બહુ આશ્ચર્યજનક વાત લાગે છે. તેમને લાગે છે કે, પોતે રબ્બર સ્ટેમ્પ નથી. નાગરિકતા સુધારા કાયદા સામે કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી વિશે તેમણે સરકાર પાસે અહેવાલ માગ્યો તેના કારણે કેરળમાં રાજકીય વિવાદ ઊભો થયો છે.
બીજી બાજુ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધાનકર પણ વિવાદો ઊભા કરતા રહ્યા છે. તેઓ મમતા બેનરજીના નિર્ણયોની જાહેરમાં ટીકા કરતાં રહ્યા છે. તેમની સામે જાદવપુર યુનિવર્સિટીમાં વિરોધ થયો હતો અને 'ભાજપના કાર્યકર પાછા જાવ' એવા બેનર પ્રદર્શિત થયા હતા.
બંધારણીય બાબતો સિવાય બાકીના મામલામાં રાજ્યપાલની ભૂમિકા મર્યાદિત અને નામપૂરતી જ હોય છે. બંધારણીય કટોકટીની સ્થિતિ ઊભી થાય ત્યારે જ રાજ્યપાલે તેમને સોંપાયેલી જવાબદારી નિભાવવાની હોય છે. પોતાની આ મર્યાદાને રાજ્યપાલો વટાવી રહ્યા છે તે કેરળ અને પશ્ચિમ બંગાળમાં ઊભા થયેલા વિવાદોથી સ્પષ્ટ થઈ રહ્યું છે.
“રાજકીય નેતાઓ વ્યક્તિ લાભ ખાતર વધારે સત્તા ઈચ્છે, પરંતુ શિક્ષણશાસ્ત્રીઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો જ સરકાર સાથે સહકારથી કામ કરશે,” એવું જવાહરલાલ નહેરુએ કહ્યું હતું. રાજભવનમાં કેવી વ્યક્તિની નિમણૂક થવી જોઈએ તે સંદર્ભમાં તેમણે બંધારણ સભાની ચર્ચામાં આમ કહ્યું હતું. તે વખતે આદર્શોની આવી ઊંચી વાતો થઈ હતી, પરંતુ દાયકાઓ સુધી કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર રહી ત્યારે તેના દ્વારા જ રાજ્યોમાં રાજ્યના પ્રથમ નાગરિક ગણાતા રાજ્યપાલોના પદનો દુરુપયોગ જ કર્યો હતો.
ભૂતકાળમાં બિહાર વિધાનસભાને વીખેરી નાખવાના બુટા સિંહના નિર્ણયની અને કેન્દ્ર સરકારના અભિગમની સુપ્રીમ કોર્ટે ટીકા કરવી પડવી હતી. એ પણ ખરું કે, ઝાકિર હુસૈન, સરોજિની નાયડુ, સુરજિતસિંહ બરનારા જેવા અગ્રણીઓએ રાજ્યપાલના હોદ્દાને ગરીમા પણ અપાવી હતી. પરંતુ એવા થોડા સારા નામોની સામે રામ લાલ, સિબ્તે હસન રિઝવી, રોમેશ ભંડારી જેવા હોદ્દાને બટ્ટો લગાડનારા નામોની સંખ્યા મોટી છે.
યુપીએ સરકારમાં રાજ્યપાલોને કેન્દ્રમાં પ્રધાનો દેવાની અને પ્રધાનોને રાજ્યપાલો તરીકે મોકલી દેવામાં મહારાત હાંસલ કરી હતી. તેના જેવી જ મહારાત એનડીએ સરકાર પણ દેખાડી રહી છે, જે બિનભાજપી રાજ્ય સરકારો માટે રાજ્યપાલોના માધ્યમથી મુશ્કેલી ઊભી કરી રહી છે.
કેરળ અને પશ્ચિમ બંગાળમાં ઊભી થયેલી રાજકીય હલચલ તેનો જ નમૂનો છે. આરિફ મોહમ્મદ ખાને કેરળ સરકારનો સ્થાનિક પંચાયતોમાં સભ્યોની સંખ્યા વધારવાનો ખરડો અટકાવીને રાખ્યો હતો. નાગરિકતા કાયદાની બાબતમાં કેરળ સરકારે પસાર કરેલા ઠરાવની બાબતમાં તેઓ આક્ષેપબાજી કરી રહ્યા છે.
પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ જગદીપ રાજ્ય સરકારને જાતભાતની પૃચ્છા કરીને સરકારને પરેશાન કરી રહ્યા છે. બંધારણીય હોદ્દાને ધ્યાનમાં રાખીને જેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મધ્યસ્થી કરવાની હોય તેમના તરફથી આવું વર્તન યોગ્ય ગણાય ખરું?
રાજભવનોને રાજકારણના અડ્ડા બનાવી દેવા માટે બધા જ રાજકીય પક્ષો એકસમાન રીતે જવાબદાર છે. રોમેશ ભંડારી ઉત્તર પ્રદેશમાંથી ભાજપની સરકારને હટાવી દેવા બહુ આતુર હતી. તે રીતે બિહારમાં સુંદરસિંહ ભંડારીએ ભાજપના વિરોધી લાલુ પ્રસાદ યાદવની સરકારને ભીંસમાં લેવા માટે બધી જ નૈતિકતાને નેવે મૂકી દીધી હતી. એ વાત પણ જાણીતી છે કે જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ તરીકે સત્યપાલ મલિકે જ વિધાનસભાને વિખેરી નાખવનું કામ કર્યું હતું અને તે રીતે ભાજપના ત્રણેય હરિફો પીડીએફ, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસને એક કરી દેવાનું કામ કર્યું હતું.
કર્ણાટકની રાજ્ય સરકારને બરતરફ કરી દેવાના કેન્દ્ર સરકારના નિર્ણયને રદ કરીને સુપ્રીમ કોર્ટે 1994માં (એસ. આર. બોમ્મઇ વિરુદ્ધ કેન્દ્ર સરકારના કેસમાં) સ્પષ્ટ જણાવ્યું હતું કે રાજ્યપાલે પક્ષની વફાદારીથી હટીને તટસ્થ રીતે કામ કરવું જરૂરી છે. તે વખતે સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 356ની જોગવાઈ તથા સંબંધિત મુદ્દાઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. તે અગાઉ સરકારિયા પંચે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે કેવા સંબંધો હોવા જોઈએ તેની છણાવટ કરીને રાજ્યપાલની ભૂમિકા વિશે ભલામણો કરી હતી. પંચે જણાવ્યું હતું કે પોતાના રાજકીય પક્ષની વિચારસરણી પ્રમાણે રાજ્યપાલો કામ કરતાં હોય છે, તેના કારણે રાજકીય વિખવાદો ઊભા થાય છે.
સરકારિયા પંચે કરેલી ભલામણોને માળિયે ચડાવી દેવાઈ છે. આવી ઉપેક્ષાને કારણે દેશના બંધારણની ભાવનાને હાની થઈ રહી છે. નવ વર્ષ પહેલાં વિજિલન્સ કમિશનના 14મા વડા તરીકે પી. જે. થોમસની નિમણૂકને રદ કરતી વખતે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે નૈતિક સિદ્ધાંતોનું પાલન કરી શકે હોય તેવી વ્યક્તિની જ નિમણૂક થવી જોઈએ. રાજ્યપાલની ભૂમિકા અને જવાબદારીની સ્પષ્ટતા સાથે અને કેન્દ્ર તથા રાજ્ય વચ્ચે સકારાત્મક સેતુ બનવાના હેતુ સાથે જ નીતિવાન મહાનુભાવની નિમણૂક કરવામાં આવે તો જ રાજભવનની ગરીમા જળવાશે.