નવી દિલ્હીઃ ભારતીય તરવૈયા આરતી સાહાની 80મી જયંતી પર ગુગલે પોતાનું ગુરુવારનું ડૂડલ તેમને સમર્પિત કર્યું છે. સાહા 1960માં પદ્મશ્રી મેળવનારા પહેલા મહિલા હતા. ગુગલ હંમેશા લોકોને સંદેશ આપવા માટે અને લોકોને યાદ કરવા માટે ડૂડલ બનાવતું હોય છે. ગુગલ પોતાનું ડૂડલ દરરોજ કોઈકને કોઈક મહાન વ્યક્તિઓને યાદ કરી પોતાનું ડૂડલ તૈયાર કરતું હોય છે.
ગુરુવારે ગુગલનું ડૂડલ જેમને સમર્પિત છે એવા આરતી સાહાનો જન્મ 24 સપ્ટેમ્બર 1940ના રોજ કોલકાતામાં થયો હતો. તેએ હુગલી નદીના કિનારે સ્વિમીંગ શીખ્યા હતા. ત્યારબાદ તેમણે ભારતના સર્વશ્રેષ્ઠ તરવૈયામાંથી એક એવા સચિન નાગના માર્ગદર્શન હેઠળ તાલીમ પણ લીધી હતી. માત્ર પાંચ વર્ષની ઉંમરમાં જ સાહા પહેલો ગોલ્ડ મેડલ મેળવી લીધો હતો. 11 વર્ષના થયા ત્યાં સુધી તો તેમણે સ્વિમીંગના ઘણા એવા રેકોર્ડ તોડી નાખ્યા હતા. 1952માં 12 વર્ષની ઉમરે સાહાએ ફિનલેન્ડની રાજધાની હેલસિંકીમાં ઓલિમ્પિકમાં ભાગ લીધો. ત્યાં પહેલી વાર ભારતની ભાગ લેનારી ટીમમાં તેઓ સામેલ હતા. ટીમમાં ચાર મહિલાઓમાંથી એક આરતી સાહા હતા. 18 વર્ષની ઉંમરે તેમણે ઈંગ્લિશ ચેનલને પાર કરવાના પ્રયત્નમાં તેઓ સફળ રહ્યા હતા. આવી કરનારા તેઓ પહેલા એશિયાઈ મહિલા બની ગયા.
ગુરુવારે આરતી સાહાને સમર્પિત એવું ગૂગલનું આ ડૂડલ કોલકાતાના કલાકાર લાવણ્યા નાયડૂએ તૈયાર કર્યું હતું, જેમાં સાહાને ઈંગ્લિશ ચેનલ પાર કરતા દર્શાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સાહાના ચિત્રમાં હોકાયંત્રને પણ દર્શાવવામાં આવ્યું છે. નાયડૂએ સાહા વિશે વાત કહ્યું કે, આરતી સાહા એ કોલકાતાના દરેક ઘર માટે એક પ્રસિદ્ધ નામ છે. મને આશા છે કે, આપણા દેશના ઈતિહાસમાં જ્યારે પણ ઉત્કૃષ્ટ કાર્ય કરવા માટે જે પણ મહિલાઓનું નામ યાદ કરવામાં આવશે તેમાંથી એક નામ આરતી સાહા પણ હશે.