- નરેન્દ્ર મોદીએ નવા સંસદભવનના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું
- કાર્યક્રમમાં ગુલામ નબી આઝાદ રહ્યા હતા હાજર
- કોંગ્રેસમાં ગુલામ નબી આઝાદની થઇ રહી છે ટીકા
કોલકાત્તા: ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદભવનના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું. તે કાર્યક્રમમાં ગુલામ નબી આઝાદ હાજર રહ્યા હતા તે બદલ કોંગ્રેસમાંથી હવે તેમની ટીકા થઈ રહી છે. કોંગ્રેસના નેતાઓ જણાવી રહ્યા છે કે આઝાદે કાર્યક્રમમાં હાજરી આપીને પક્ષની શિસ્તનો ભંગ કર્યો છે. પશ્ચિમ બંગાળના પ્રદેશ પ્રમુખ અધીર રંજન ચૌધરીએ ઈટીવી ભારતને જણાવ્યું કે આ બાબતમાં પક્ષીય તપાસ કરવામાં આવી રહી છે.
"કોંગ્રેસના હાઈ કમાન્ડ આ બાબતમાં આખરી નિર્ણય લેશે. આ મુદ્દાની રજૂઆત પક્ષની શિસ્ત સમિતિ કરવામાં આવશે," એમ ચૌધરીએ જણાવ્યું. ભૂમિપૂજનના કાર્યક્રમમાં શા માટે હાજરી આપી તેનો ખુલાસો પણ આઝાદ પાસેથી માગવામાં આવશે એમ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં વિપક્ષ કોંગ્રેસના નેતા અસિત મિત્રાએ પણ આ જ પ્રકારનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર આ પક્ષની શિસ્તનો મામલો છે. "પક્ષનું કેન્દ્રીય નેતૃત્ત્વ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કિમિટી આ બાબતમાં તપાસ કરશે અને યોગ્ય પગલાં લેશે. પરંતુ મારો અંગત અભિપ્રાય એવો છે કે આ મુદ્દે કોઈ વધારે વિવાદ થવો જોઈએ નહિ અને આ બાબતનો ઉકેલ સૌમ્યતાથી આવવો જોઈએ."
ગુલામ નબી આઝાદને આ વર્ષે સપ્ટેમ્બરમાં જ પક્ષના મહામંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા છે. આઝાદ તથા કપિલ સિબ્બલ સહિતના કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓએ અસંતોષની લાગણી વ્યક્ત કરતો પત્ર પક્ષના હાઇ કમાન્ડને લખ્યો હતો, તે પછી આવું પગલું લેવાયું હતું. જોકે તે પછીય આઝાદ પોતાના અભિપ્રાયો વ્યક્ત કરતા રહ્યા હતા. ગયા મહિને તેમણે નવેસરથી નિવેદન આપ્યું હતું કે, કોંગ્રસનું સમગ્ર સંગઠન માળખું પડી ભાંગ્યું છે. સાથે જ તેમણે પક્ષમાં બધા જ હોદ્દાઓ માટે આંતરિક ચૂંટણી કરવામાં આવે તેવી માગણી કરી હતી.
કોંગ્રેસના કેટલાક નેતાઓની વૈભવશાળી જીવનશૈલી વિશે પણ તેમણે ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ નેતાઓ હંમેશા ફાઇવ સ્ટાર હોટેલમાં જ અને લક્ઝરી વાહનોમાં જ મહાલતા હોય છે. અગાઉ પણ અધીર રંજન ચૌધરીએ ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલ જેવા વિરોધ કરનારા નેતાઓને કોંગ્રેસની નેતાગીરીની ટીકા કરવા સામે ચેતવણી આપી હતી.
ચૌધરીએ ઈટીવી ભારતને જણાવ્યું કે પક્ષમાં જ રહીને પક્ષના નેતાઓની ટીકા કરનારા આ નેતાઓને છૂટ છે કે બીજા પક્ષમાં જતા રહે અથવા પોતાનો અલગ પક્ષ કરે. “નડતા ભાડૂત કરતાં મકાન ખાલી રહે તે વધારે સારું. કોંગ્રેસમાં જ રહે અને સાથે જ કોંગ્રેસના વિરોધીઓને ફાયદો થાય તેવી પ્રવૃતિ કરનારા નેતાઓને અમે ચલાવી લઈ શકીએ નહિ,” એમ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું.