જયપુર: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે 'રાજસ્થાન જનસંવાદ' રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે ચીન અને પાકિસ્તાનને સંદેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, અમે કોઈ પર હુમલો કરવા માગતા નથી. પરંતુ જો કોઈ અમારી સરહદો પર ધ્યાન આપશે, તો તેમને તે જ ભાષામાં જવાબ આપતા આવડે છે. જેના માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. ભારતીય સુરક્ષા દળોની વીરતાઓની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે, અમારા સૈનિકોની તાકાત જબરદસ્ત છે.
કોંગ્રેસ પર નિશાન સાધતા ગડકરીએ જણાવ્યું કે, આજે દેશની સીમા સંપૂર્ણ સુરક્ષિત છે. કોંગ્રેસે 50-60 વર્ષમાં જે ન કર્યું, તે 6 વર્ષમાં અમે કરી બતાવ્યું. સરહદની આસપાસ રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. ચાર ધામ રોડ ઉપરાંત ચીન અને નેપાળની સરહદ સુધી પણ રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. જેના પર 12 હજાર કરોડનો ખર્ચ થશે. ભારતમાંથી માનસરોવર પહોંચવા માટેનો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે. આ રસ્તો ઉત્તરાખંડના પિથૌરાગઢ થઈને બનાવવામાં આવી રહ્યો છે.
ગડકરીએ વધુમાં જણાવ્યું કે, અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ જમ્મુ કાશ્મીરમાંથી આતંકવાદ ખતમ થઇ જશે. વિકાસની નવી ધારા શરૂ થશે.