મહારાષ્ટ્ર: એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોના વાઈરસનો ફેલાવો સતત વધી રહ્યો છે. ધારાવીમાં કોરોના વાઈરસને કારણે કુલ 5 લોકોનાં મોત નીપજ્યાં છે. નહેરૂ ચોલમાં સોમવારે એક 60 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ધારાવીમાં કોરોના વાઈરસના 4 નવા કેસ નોંધાયા બાદ અહીં કેસની કુલ સંખ્યા 47 થઈ ગઈ છે. ધારાવીમાં કોરોના વાઈરસના વધતા જતા પોઝિટિવ કેસના કારણે BMC વહીવટી તંત્ર દોડતું થયું છે. ગીચ ઝૂંપડપટ્ટી કારણે અહીં કોરોના વાઈરસ ફેલાવાનું સૌથી વધુ જોખમ રહેલું છે.
ધારાવીના ઉચ્ચ જોખમવાળા વિસ્તારના લોકોના ક્વોરેન્ટાઈન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. રાજીવ ગાંધી સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં અહીં 300 બેડનું ક્વોરેન્ટાઈન સેન્ટર ઉંભુ કરવામાં આવ્યું છે, જેમાં ઘણા લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. BMC અહીં આવેલા લોકોને પાણી, ખોરાક અને તબીબી સુવિધાઓ પૂરી પાડે છે. ધારાવીના તમામ કન્ટેનમેન્ટ ઝોનનું દૈનિક સેનિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. ધારાવીના કન્ટેનમેન્ટ ઝોનની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી છે. BMC લોકોને અહીં જરૂરી ચીજવસ્તુઓ, ફૂડ પેકેટ અને દવાઓનું વિતરણ કરી રહી છે.
દેશમાં મહારાષ્ટ્ર કોરોના વાઈરસના ચેપનું સૌથી અસરગ્રસ્ત રાજ્ય છે. આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1985 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 217 લોકો સ્વસ્થ થયા છે. આ સિવાય 149 લોકોનાં મોત નીપજ્યાં છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં કોરોના કુલ 1154 કેસ નોંધાયા છે. અહીં ચેપને કારણે 24 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 24 લોકો સ્વસ્થ થયા છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે છેલ્લા 24 કલાકમાં 35 લોકોના મોત બાદ કુલ મૃત્યુઆંક 308 થઈ ગયો છે. ભારતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ વધીનો આંકડો 9152 (7987 પોઝિટિવ કેસ, 856 સ્વસ્થ અને 308 મૃત્યુ સહિત) સુધી પહોંચી ગયા છે. દેશભરમાં કોરોના વાઈરસને કારણે જાહેર કરાયેલા લોકડાઉનનો આજે 20મો દિવસ છે.