ઉલ્લેખનીય છે કે, મંગળવારે પાકિસ્તાનના એન્ટી ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (આતંકવાદ વિરોધી વિભાગ) દ્વારા જમાત-ઉદ-દાવાના પ્રમુખ અને 26/11 ના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદને પકડી લેવામાં આવ્યો હતો.
જ્યારે આ વિષયે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, અમે ભૂતકાળમાં 8 વખત પાકિસ્તાનના આવા નાટક જોઈ ચૂક્યા છીએ.
મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાન વર્ષ 2001થી આવી કવાયતનું પાલન કરી રહ્યું છે. પ્રથમ તેની ધરપકડ કરે છે અને બાદમાં તેને મુક્ત પણ કરી દે છે. અહીં પ્રશ્ર એ છે કે, શું આ વખતે આ દેખાડાથી કંઈક વિશેષ હશે ?
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ભારતના વલણ અંગે કહ્યું કે, હાફિઝ સઈદ સંયુક્ત રાષ્ટ્રનો એક નામિત આતંકી છે અને પાકિસ્તાન તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું કે, પાકિસ્તાનને તેમની જમીન પરથી પેદા થતાં આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરુર છે.
તો બીજી તરફ અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હાફિઝ સઈદ પર કરાયેલા ટ્વીટ પર રવિશ કુમારે કહ્યું કે, આ બાબતને વૈશ્વિક સહયોગ તરીકે જોવો જોઈએ. વધુમાં કહ્યું કે, અમારી એજન્સીઓ આતંકવાદ વિરુદ્ધ જંગ કરવા માટે મળીને કામ કરી રહી છે.