તિરુવનંતપુરમ: સચિવાલયના ઉત્તર બ્લોકમાં પ્રોટોકોલ વિભાગમાં મંગળવારે સાંજે અગત્યની કચેરીઓમાં આગ લાગી હતી, જોકે તેને કાબૂમાં લાવવામાં આવી હોવાનું ફાયર એન્ડ રેસ્ક્યૂ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
સચિવાલયમાં આગ ફાટી નીકળ્યા બાદ વિરોધ પક્ષે સચિવાલય સમક્ષ ધરણા અને વિરોધ પ્રદર્શન કર્યા હતું. સરકાર પર આરોપ લગાવ્યો હતો કે, આગ કોઈ અકસ્માત નહીં પણ ગોલ્ડ સ્મગલિંગ કેસના સંબંધમાં પુરાવાઓને નષ્ટ કરવાનું કાવતરું હતું.
સૂત્રોએ પત્રકારોને જણાવ્યું કે, વિભાગમાં બપોરે 4.45 વાગ્યે આગ લાગવાની જાણ ફાયર એજન્સીને કરવામાં આવી હતી. સચિવાલયના હાઉસકીપિંગ સેલના એડિશનલ સેક્રેટરી પી હનીએ જણાવ્યું કે, કૉમ્પ્યુટરમાં શોર્ટ સર્કિટ થવાની આશંકા છે, જોકે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
અધિકારીએ એક ટેલિવિઝન ચેનલને કહ્યું કે, "કોઈ મહત્વપૂર્ણ ફાઇલોનો નાશ થયો નથી. તે બધી સુરક્ષિત છે. આગ લાગવાના સમયે સ્ટાફમાં ફક્ત બે જ લોકો હતા. કારણ કે, બાકીનો સ્ટાફ ક્વોરેન્ટાઇન થઈ ગયો છે. તેમણે કહ્યું કે, તેઓને ઇજા પહોંચી નથી. મહત્વનું છે કે, આ આગ એક કાવતરું હોવાના આક્ષેપ સાથે સચિવાલય સામે વિરોધ પક્ષે ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.