શ્રીનગર: નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા સોમવારે કઠુઆમાં પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. જે દરમિયાન તેમને પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, જે લોકો તેમને ગુપકાર ગેંગના નામથી બોલાવે છે, તેઓ ખુદ મોટા ડાકૂ છે. જે રાજ્યમાં હિન્દૂ મુસ્લિમ વચ્ચે ભાગલા કરાવવા માગે છે. આવા લોકો જમ્મુ કાશ્મીરના લોકો સાથે દગો કરી રહ્યા છે.
નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે, અમે ભાજપના દુશ્મન છીએ, દેશના દુશ્મન નથી. અમે ગેંગ નહીં પણ પાર્ટીઓનું ગઠબંધન કરી રહ્યા છીએ. જે લોકો અમને ગેંગ કહે છે, તેઓ ખુદ જ ડાકૂ છે એટલે જ બધાને એક ગેંગના રૂપમાં જોઇ રહ્યા છે.
ફારૂક અબ્દુલ્લાએ વધુમાં જણાવ્યું કે, જે લોકો અમને પાકિસ્તાની કહે છે, તેમને એક વાતની જાણ હોવી જોઇએ કે, યુનાઇટેડ નેશનમાં જઇને ભારતના હકમાં બોલવાવાળો ફારૂક અબ્દૂલ્લા જ હતો. જે મને જમ્મુમાં મળ્યા એ તમામ ડેલિગેશનના લોકો ભાજપની પોલિસીથી વ્યથિત છે. અમે સાથે મળીને ચૂંટણી લડીશું, પરંતુ અમને ચૂંટણી પ્રતિક મળશે નહીં, તેથી અમે સંયુક્ત ઉમેદવારો સાથે મળીને પોત પોતાના ચૂંટણી પ્રતીક પર લડીશું.