ન્યૂઝ ડેસ્ક: કેન્દ્ર સરકારે આવશ્યક ચીજવસ્તુ ધારામાં ફેરફારો માટેના બે વટહુકમ હાલમાં જ બહાર પાડ્યા છે. તેમાં ખેતપેદાશોના વેચાણનો અને આગોતરા વેચાણ કરારનો સમાવેશ થાય છે. વટહુકમ સાથે હવે ખેડૂતને પોતાના પાક દેશમાં ક્યાંય પણ વેચવાની છૂટ મળી છે. વેચાણ કરારમાં નક્કી થયેલી રકમની ચૂકવણીમાં વિલંબ થાય તેનો નિકાલ અદલાત બહાર લાવવાની પણ જોગવાઈ કરાઈ છે.
આવા ફેરફારો વચ્ચે ખેડૂત કેવી રીતે મોટા વેપારીઓ સામે સોદા કરી શકશે? બે કે ત્રણ એકરની ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતને કેવી રીતે ખ્યાલ આવવાનો કે તેમની પેદાશની માગ દેશમાં ક્યાં છે? E-NAM સિસ્ટમ દાખલ કરવામાં આવી છે, પણ તેનો અમલ બરાબર ચાલી રહ્યો નથી ત્યારે એવી કલ્પના જ કરવાની રહી કે કઈ રીતે 82 ટકા નાના અને સીમાંત ખેડૂતો પોતાના પાક પસંદગીની જગ્યાએ જઈને વેચી શકે અને લાભ લઈ શકે.
દર વર્ષે ટેકાના ભાવના નામે ખેડૂતો સાથે ક્રૂર મજાક રવામાં આવે છે. તેના કારણે ખેડૂતો માટે સુરક્ષા હંમેશા મૃગજળ જ રહેવાની. તેથી સરકારે ખેડૂતોના પાકની ખરીદી કરવી જોઈએ. તે રીતે જ ખેડૂતોને પોતાની મહેનતનું વળતર મળે તેમ છે.
ખેડૂતોના કલ્યાણની પોતાની પાયાની ફરજ છે તે ભૂલીને સરકારે જાહેરાત કરી દીધી કે ખેડૂતોને બજારના ફંદામાંથી મુક્ત કરવામાં આવે છે. નવી પદ્ધતિ હજી કામ કરતી થઈ નથી ત્યારે આવી જાહેરાત કરીને સરકારે જાણે પોતાના હાથ ખંખેરી નાખ્યા છે!
6 વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ્ય રીતે જ કહ્યું હતું કે, જો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી શકે તો દેશનો ખેડૂત ઉત્પાદન બમણું કરી દેશે. જો તેને વાસ્તવિકતા બનાવવી હોય અને આવતીકાલની પેઢીને પણ ખેતીમાં રસ લેતો કરવો હોય તો દેશની આ સૌથી અગત્યની બાબતમાં નક્કર યોજના હોવી જોઈએ.
ખેતીલાયક જમીનની બાબતમાં આપણે અમેરિકા પછી બીજા સ્થાને છીએ, પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિએ ખેતી થતી ના હોવાથી ખેડૂતોના જીવન બરબાદ થઈ ગયા છે. ભારત કરતાં ચીન પાસે ખેતીલાયક જમીન ઓછી હોવા છતાં પોતાના અનાજની જરૂરિયાતના 95 ટકાનું ઉત્પાદન ઘરઆંગણે જ થાય છે. જ્યારે આપણે હજીય અનાજ, તેલિબિયાં અને ડુંગળી પણ વિદેશથી આયાત કરીએ છીએ.
આ સ્થિતિમાંથી બહાર આવવા માટે દેશના 125થી વધુ જેટલા જુદી જુદી આબોહબા ધરાવતા પ્રદેશોને વિષદ રીતે અલગ તારવીને તેનું મેપિંગ થવું જોઈએ. તેની માટી કેવી છે, કયો પાક લઈ શકાય તેમ છે અને સ્થાનિક સ્થિતિ શું છે તેનું તારણ કાઢવું જોઈએ. સરકારે સ્થાનિક માંગનો પાકો અંદાજ કાઢવો જોઈએ અને ક્યાં નિકાસ કરી શકાય તે છે તેની શોધ કરવી જોઈએ. વિદેશી રાષ્ટ્રો સાથે તે માટે કરારો કરવા જોઈએ. ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડવું પડે અને જે પાકની જ્યાં જરૂર હોય ત્યાં તે ઉગે તેવું કરવું જોઈએ.
વાવાઝોડું, પૂર, દુકાળ, ગરમ હવા આ બધી જ બાબતો ખેડૂતો માટે પડકારરૂપ છે. ધિરાણની ઉપલબ્ધતાથી શરૂ કરીને, સારા બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને તૈયાર પાકનું વેચાણ આ દરેક બાબતમાં ખેડૂતે મુશ્કેલી અનુભવવી પડે છે. આ બધી અનિશ્ચિતતામાંથી સરકારે ખેડૂતોને બહાર લાવવા જોઈએ.
ભારતનો ખેડૂત મહેનત કરવામાં પાછી પાની કરતો નથી. ખેડૂતને ખાતરી મળવી જોઈએ કે તેમના શ્રમનું પૂરતું વળતર મળશે. પ્રોફેસર સ્વામીનાથન કહે છે તે પ્રમાણે બધી જ બાબતોને ધ્યાનમાં લીધા પછી અને ખેતી પાછળનો વાસ્વતિક ખર્ચ ગણતરીમાં લઈને, તે પછી તેના પર 50 ટકા ઉમેરીને તે રીતે ટેકાના ભાવો નક્કી થવા જોઈએ. જો મુશ્કેલીમાં મૂકાયેલા ખેડૂતોને દેશ મદદ નહિ કરે તો દેશ સામે અનાજની કટોકટી ઊભી થઈ શકે છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારો ગોદામો, સારી રીતે વેચાણ અને જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવાના હેતુ સાથે ખેતી પર ધ્યાન કેન્દ્રીત કરશે અને કૃષિ નીતિનો વ્યાપક અમલ કરશે તો ખેડૂતો ઉગરશે અને દેશમાં શાંતિ થશે!