- આંદોલનકારી ખેડૂતો આક્રમક મૂડમાં
- 6 ફેબ્રુઆરીએ દેશવ્યાપી ચક્કાજામ કરશે
- કેન્દ્રના કૃષિ કાયદા વિરુદ્ધ કરી રહ્યા છે આંદોલન
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા કિસાન સંગઠને 6 ફેબ્રુઆરીએ ‘ચક્કાજામ’ કરવાની ઘોષણા કરી છે. કિસાન સંગઠને પોતાના આંદોલન સ્થળ નજીક ઇન્ટરનેટ પ્રતિબંધ અને અધિકારીઓ દ્વારા હેરાનગતિ જેવા મુદ્દાઓ અંગે ત્રણ કલાક રાષ્ટ્રીય અને રાજ્યમાર્ગ પર ઘેરાવો કરી વિરોધ નોંધાવશે.
ત્રણ કલાક કરશે ચક્કાજામ
કિસાન સંગઠનના નેતાઓએ સોમવારે દિલ્હીના સિંધૂ બોર્ડર પર પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, 6 ફેબ્રુઆરી બપોરે 12 કલાકથી 3 કલાક સુધી રસ્તાઓ પર ઉતરીને વિરોધ નોંધાવશે.
બજેટ-2021માં ખેડૂતોની અવગણના
તેમણે આરોપ લગાવ્યો કે, કેન્દ્રીય બજેટ-2021માં ખેડૂતોની અવગણના કરવામાં આવી છે અને તેના વિરોધ સ્થળ પર પાણી અને વીજળી પણ બંધ કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મંચે એ આરોપ પણ લગાવ્યો છે કે, કિસાન એકતા મંચના ટ્વીટર એકાઉન્ટ અને ‘ટ્રેક્ટર 2 ટ્વીટર’ નામના એકાઉન્ટના ઑનર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
સ્વરાજ ઇન્ડિયાના નેતાએ લગાવ્યા આરોપ
સ્વરાજ ઇન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવે આરોપ લગાવ્યો કે, ટ્વીટર એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી સરકારી અધિકારીઓના અનુરૂપ કરવામાં આવી છે. તેમણે એ પણ દાવો કર્યો ક, આ બજેટમાં કૃષિ ક્ષેત્રે ઓછી ફાળવણી કરવામાં આવી છે.