મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ભાજપ-શિવસેના ગઠબંધનને ફરીવાર સત્તા અપાવવા પ્રચારમાં વ્યસ્ત છે. ઉપરાછાપરી રેલીઓ અને સભાઓ કરી રહ્યા છે. 21 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે.
રવિવારે મુખ્યપ્રધાન ફડણવીસ પ્રચાર અર્થે બુલઢાણા જિલ્લાના શેગાંવ ખાતે ગયા હતા. આ સાથે નાંદૂર અને ખામગાવમાં પણ તેમનો પ્રચાર કાર્યક્રમ ગોઠવાયો હતો. દરમિયાન સવારે 11.30 વાગ્યાની આસપાસ ભાજપના કાર્યકર અને ખેડુતે વૃક્ષ ઉપર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક માહિતી અનુસાર મૃતક ખેડૂતનું નામ રાજુ જ્ઞાનદેવ તલવારે છે. તેની ઉંમર 35 વર્ષની છે.
ચોંકાવનારી વિગત એ છે કે, મરનાર ખેડૂત ભાજપનો સક્રિય કાર્યકર હતો. તેના માથે બે લાખની લોન હતી. જેથી તે ખુબ તણાવમાં રહેતો હતો. આટલી ચિંતામાં પણ તે જામોદ વિધાનસભા બેઠકના ઉમેદવાર ડૉ સંજય કુટે માટે છેલ્લા આઠ દિવસથી પ્રચાર કરી રહ્યો હતો. મૃતકે' ફરીથી લાવીશું આપણી સરકાર' લખેલી ભાજપની ટી શર્ટ પહેરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી છે.