હાથરસ: હાથરસ કેસમાં આજે પીડિતાનો પરિવાર અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચ સમક્ષ હાજર થશે. જે માટે પીડિતાનો પરિવાર હાથરસથી લખનઉ જવા રવાના થઇ ગયો છે. પીડિતાના પરિવારને કડક પોલીસ બંદોબસ્ત સાથે લખનઉ પહોંચી ગયા છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે સોમવારે પરિવારને કોર્ટ સમક્ષ હાજર રહેવા નિર્દેશ આપ્યા હતા. હાથરસમાં 14 સપ્ટેમ્બરના રોજ એક યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની હતી. ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું 15 દિવસ પછી દિલ્હીની હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ પછી પોલીસે યુવતીનો રાતોરાત અંતિમ સંસ્કાર પણ કરી દીધો હતો. જેને લઇ સમગ્ર દેશમાં પીડિતને ન્યાય મળે તે માટે માગ કરવામાં આવી રહી છે.
પહેલા પરિવારને રવિવારે રાત્રે લઈ જવાની યોજના હતી, પરંતુ પરિવારે રાત્રે જવાની ના પાડી દીધા બાદ તેઓને સવારે લખનઉ લઈ જવામાં આવ્યા છે. SDM અંજલિ ગંગવારે કહ્યું કે, "હું તેમની સાથે જાઉં છું. સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. DM અને SP પણ અમારી સાથે છે."
SPએ જણાવ્યું હતું કે, ભોગ બનનાર યુવતીના ગામમાં અત્યાર સુધી પંચાયત બોલાવામાં નથી આવી. જેથી સાવચેતીમના ભાગરૂપે ત્યાં વધારાનો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.પીડિતાના પરિવારે સાંજના સમયે લખનઉ જવાની વાત પર પોતાના જીવને જોખમ હોવાનું જણાવીને ઇન્કાર કરી દીધું હતું.ત્યારબાદ પોલીસ અને પ્રશાસનના લોકોએ સોમવારે સવારે પાંચ વાગ્યે પીડિત પરિવારને લખનઉ લઇ જવા માટે રવાના થયા હતા.