નવી દિલ્હી: દિલ્હી રમખાણોના મામલામાં સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ વિશે મળેલી ફરિયાદોની તપાસ કરી રહેલી દિલ્હી વિધાનસભાની શાંતિ અને સદ્દભાવના કમિટિએ આજે ફેસબુકને પણ રમખાણોનો આરોપી માન્યું છે. આજે કમિટિની બેઠક બાદ અધ્યક્ષ રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, આ મામલામાં ગત 2 બેઠકોમાં બોલાવાયેલા સાક્ષીઓની વાતોથી સ્પષ્ટ થઈ ગયું છે કે, ફેસબુક પણ આ રમખાણો માટે જવાબદાર છે.
કમિટિ દ્વારા એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, પોલીસે કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં ફેસબુકને પણ સહ આરોપી બનાવવું જોઈએ. આ કેસમાં હવે કમિટિએ ફેસબુક અધિકારીઓને પોતાનો કેસ રજૂ કરવા સમન્સ પાઠવ્યું છે. વિધાનસભાની શાંતિ સદ્દભાવના કમિટિની આજે મળેલી બેઠકમાં 3 પત્રકારોને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા હતા. તેમણે કમિટિ સમક્ષ દિલ્હીના રમખાણોને લગતા ઘણા પુરાવા આપ્યા હતા. કમિટિ પ્રાથમિક તારણ પર પહોંચી છે કે, દિલ્હી રમખાણોમાં ફેસબુકનો હાથ હતો, અને તેની તપાસ થવી જોઈએ.
કમિટિના અધ્યક્ષ રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, યુએસમાં પણ મે મહિનામાં તોફાનો થયા હતા. તે દરમિયાન ફેસબુક ખૂબ સાવચેતીભર્યું હતું. રમખાણોને ઉશ્કેરવામાં આવે ત્યાં આવું કોઈ કૃત્ય ફેસબુક દ્વાર કરવામાં આવ્યું ન હતું. પરંતુ જ્યારે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં તોફાનો થયા હતા, ત્યારે આમાં ફેસબુકની ભૂમિકા શંકાપૂર્ણ હતી. રમખાણોને ઉશ્કેરતા નિવેદનો અને પોસ્ટ્સને વિસ્તૃત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આવા કેટલાક પુરાવા પણ આવ્યા છે જે દર્શાવે છે કે, ચૂંટણી પહેલા દિલ્હીમાં તોફાનોનું આયોજન કરવાનું કાવતરું કરવામાં આવ્યું હતું. આ વર્ષે દિલ્હીમાં થયેલા રમખાણો બાદ આ કમિટિની રચના કરવામાં આવી છે.