નવી દિલ્હી: દેશના 7 રાજ્યો રાજ્યસભાની 18 બેઠકમાટે આજે મતદાન યોજાશે. જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસીનો મુકાબલો થવાની સંભાવના છે. કોરોના મહામારીના કારણે 18 બેઠક પર ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ ચૂંટણી પંચે કર્ણાટકની 4 બેઠક, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ 1-1 બેઠક માટે ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.
રાજ્યસભાની 18 બેઠકમાં આંધ્રપ્રદેશ અને ગુજરાતની 4-4, મધ્યપ્રદેશ અને રાજસ્થાન 3-3, ઝારખંડ 2 અને મણિપુર, મિઝોરમ અને મેઘાલયની 1-1 બેઠક પર મતદાન યોજાશે. મણિપુરમાં સત્તારૂઢ ગઠબંધનના 9 સભ્યોના રાજીનામાને કારણે મતદાન રસપ્રદ થવાની સંભાવના છે. ભાજપે લીસેમ્બા સાનાજાઓબા અને કોંગ્રેસે ટી મંગી બાબૂને ઉમેદવાર બનાવ્યા છે.
કર્ણાટકમાં 4 સીટ પર પૂર્વ મુખ્યપ્રધાન એચડી દેવેગૌડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, ભાજપના ઉમેદવાર ઈરન્ના કડાડી અને અશોક ગસ્તી પહેલા જ બિનહરીફ વિજેતા જાહેર થઈ ચૂક્યા છે.
અરુણાચલ પ્રદેશમાં રાજ્યસભાની એકમાત્ર બેઠક પરથી ભાજપના ઉમેદવાર નબામ રેબિયાની બિનહરીફ જીત જાહેર થઈ ચૂકી છે.
ગુજરાતમાં સત્તારુઢ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે રસાકસીનો મુકાબલો થવાની શક્યતા જોવામાં આવી રહી છે.
આંધ્રપ્રદેશમાં રાજ્યસભા માટે 4 સભ્યોની પસંદગી કરવામાં આવી છે. વિધાનસભામાં પર્યાપ્ત સંખ્યા રહેવાના કારણે સત્તારુઢ વાઈએસઆર કોંગ્રેસની 4 બેઠકો પર જીત મેળવવાના આસાર જણાઈ રહ્યા છે.
મધ્યપ્રદેશમાં ત્રણ સીટ માટે ભાજપ અને કોંગ્રેસના 2-2 ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુમેર સિંહ સોલંકી તો કોંગ્રેસે દિગ્વિજય સિંહ અને દલિત નેતા ફૂલ સિંહ બરૈયાને ઉમેદવાર બનાવ્યા છે.
ઝારખંડમાં રાજ્યસભાની 2 બેઠક માટે JMM અધ્યક્ષ શિબૂ સોરેન, કોંગ્રેસ ઉમેદવાર શહજાદા અનવર અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ દીપક પ્રકાશ મુકાબલામાં છે.
ચૂંટણી પંચે કહ્યું કે, આજે 18 બેઠક માટે મતદાન યોજાશે. દરેક ધારાસભ્યનું સ્કેનિંગ કરવામાં આવશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવશે.