ઔપચારિક સૂત્રોનું કહેવું છે કે, કોચર અને તેમના પતિ સોમવારે ખાન માર્કેટ પાસેના ઈડીની ઓફિસે પહોંચ્યા હતા. તેમને 11 વાગ્યે ઈડી સમક્ષ હાજર થવાનું હતું, પરંતુ બંને નિયત સમય કરતા થોડા વહેલા પહોંચી ગયા. તેમને રાત્રે આઠ વાગ્યે ત્યાંથી પરત જવાની પરવાનગી મળી હતી, પરંતુ હાલ એવી કોઈ માહિતી સામે નથી આવી કે ઈડીએ તેમને કેવા સવાલ કર્યા છે. સૂત્રોના કહેવા મુજબ, તપાસ આગળ વધારવામાં અધિકારીઓને બંને સહયોગ કરે તે માટે બોલાવાયા હતા. બંનેને મંગળવારે પણ પૂછપરછ કરાય તેવી શક્યતાઓ છે. બેંકના દેવાની બાબતે ઈડીએ 1 માર્ચના રોજ દરોડા પાડ્યા પછી પણ ચંદા કોચર અને તેમના પતિની પૂછપરછ કરી હતી.
ઈડીએ ચંદા કોચર, તેમનો પરિવાર અને વીડિયોકોન સમૂહના વેણુગોપાલ ધૂતના મુંબઈ અને ઔરંગાબાદના ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. પ્રવર્તન નિર્દેશાલયે આ વર્ષની શરુઆતમાં ચંદા કોચર, તેમના પતિ દીપક કોચર, ધૂત અને અન્યની વિરુધ્ધ આઈ.સી.આઈ.સી.આઈ. બેંક દ્વારા વીડિયોકોન સમૂહને 1,875 કરોડ રુપિયાના દેવાને મંજૂરી આપવાની બાબતમાં કથિત અનિયમિતતઓ અને ભ્રષ્ટાચારની તપાસ માટે પીએમએલએ અંતર્ગત આપરાધિક ઘટના નોંધી હતી.