- પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મૂક્યો આરોપ
- રાષ્ટ્રીય આરોગ્ય મિશનમાં 400 કરોડ રૂપિયાનું કૌભાંડ
મુંબઇ: વરિષ્ઠ ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસે બુધવારે આરોપ મૂક્યો છે કે મહારાષ્ટ્રમાં કેટલાક લોકો રાષ્ટ્રીય આરોગ્ય મિશનમાં નોકરી અપાવવાના બહાને લાંચ લઇ લોકોને લૂંટી રહ્યા છે. આ લગભગ રૂપિયા 300થી 400 કરોડનું કૌભાંડ છે.
ફડણવીસે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને લખ્યો પત્ર
રાષ્ટ્રીય આરોગ્ય મિશનમાં કોન્ટ્રાક્ટ પર નોકરી અપાવવા માટે કેટલાક લોકો રૂપિયા 1 લાખથી 2.50 લાખ સુધીની લાંચની માગણી કરતા હોવાની ઓડિયો ક્લીપ ફરતી થઇ હોવાનો દેવેન્દ્ર ફડણવીસે આરોપ મૂક્યો છે. લગભગ 20,000 જેટલા લોકો આ મિશનમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરી રહ્યા છે. આ યોજના કેન્દ્ર સરકારની છે પરંતુ તેનુ નિયમન રાજ્ય સરકાર હસ્તક છે.
લાંચિયા અધિકારીઓની ઓડિયો ક્લીપ થઇ ફરતી
"ઘણા એવા લોકો છે જેમણે આ મિશનમાં કાયમી નોકરી મેળવવા માટે લોન લીધી છે." ફડનવીસે જણાવ્યું, "જો આવા એક જ મિશનમાં કૌભાંડની રકમ 300થી 400 સુધી પહોચી શકતી હોય તો વિચારો દેશના આરોગ્ય વિભાગમાં આવા કેટલાય કૌભાંડો ચાલતા હશે." તેમણે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી 3 ઓડિયો ક્લીપ્સ મોકલી રહ્યા છે તેમ જણાવ્યું હતું, તેમના મુજબ આ 3 ઓડિયો ક્લીપ્સમાં લાંચની માગણી કરવામાં આવી છે.